– અલીગઢની રેલીમાં મોદીએ મુસ્લિમો માટે કરેલા કામ ગણાવ્યા
– વિપક્ષ લોકોની સંપત્તિ પર કબજો કરીને તેને વહેચી દેવા માગે છે : મુસ્લિમોના ઉલ્લેખ વગર મોદીના ફરી આરોપ
– અગાઉ બહુ ઓછા મુસ્લિમ હજ પર જઇ શકતા હતા, હવે અનેક લોકો જાય છે, તેમના સપનાને સાકાર કર્યા
અલીગઢ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર કર્યો હતો, અહીંની અલીગઢ લોકસભા બેઠક પર એક રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનની નજર જનતાની કમાણી અને સંપત્તિ પર છે. મોદીએ દાવો કર્યો હતો કે વિપક્ષ જનતાની સંપત્તિ પર કબજો કરીને તેને વહેચવા માગે છે. રવિવારે મોદીએ મુસ્લિમો અંગે કરેલી ટિપ્પણી બાદ ભારે વિવાદ થયો હતો. જોકે તેમણે યુપીની રેલીમાં મુસ્લિમોનો ઉલ્લેખ કર્યા વગર કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.
રવિવારના વિવાદ બાદ સોમવારે મોદીએ મુસ્લિમ મતદારોને આકર્ષવાનો પ્રયાસ પણ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે હંમેશા તૃષ્ટિકરણનું રાજકારણ કર્યું છે. વિપક્ષે મુસ્લિમોના વિકાસ માટે કઇ જ નથી કર્યું. અગાઉ હજનો કોટા બહુ જ ઓછો હતો, જોકે અમારી ભાજપ સરકારે આ કોટા વધારવા માટે સાઉદી અરબ સાથે વાતચીત કરી હતી. જે બાદ કોટાને વધારવામાં આવ્યો હતો. મે સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે આ અંગે વાત કરી હતી.
મોદીએ કહ્યું હતું કે આજે ન માત્ર ભારતીય મુસ્લિમો માટે હજનો કોટા વધારવામાં આવ્યો છે સાથે સાથે વિઝા નિયમોને પણ સરળ બનાવવામાં આવ્યા છે. અગાઉ મુસ્લિમ માતાઓ બહેનો હજ નહોતી જઇ શકતી, જોકે હવે સરકારે મેહરમા વગર જ હજ જવાની અનુમતી આપી દીધી છે. અમે મુસ્લિમોના સપના સાકાર કર્યા છે. ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા અંગે વાત કરતા મોદીએ કહ્યું હતું કે અગાઉ અહીંયા અલગતાવાદીઓ પથ્થરમારો કરતા હતા, હાલ એ બધુ શાંત થઇ ગયું છે. અલીગઢ પર બે શહેઝાદાનો કબજો રહ્યો (રાહુલ ગાંધી, અખિલેશ યાદવ), જોકે સ્થાનિક જનતાએ આ પરિવારના રાજકારણને તાળા મારી દીધા છે. અગાઉ બોમ્બ બ્લાસ્ટ થતા હતા, સીરિયલ બ્લાસ્ત થતા હતા. અયોધ્યા અને કાશીને પણ છોડવામાં નહોતી આવી. મોટા શહેરોમાં દરરોજ બોમ્બ બ્લાસ્ટ થતા હતા. હવે સીરિયલ બોમ્બ હુમલા પર પૂર્ણ વિરામ મુકાઇ ગયું છે.