–
– શાંતિથી ઊજવણી ના કરી શકે તેવા લોકો માટે ચૂંટણીનો કોઈ અર્થ નથી, બંને જૂથોની અસહિષ્ણુતા અસ્વીકાર્ય
કોલકાતા : દેશભરમાં લોકસભા ચૂંટણી શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં સાત તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે ગયા સપ્તાહે મુર્શીદાબાદમાં રામનવમીએ શોભાયાત્રા પર હિંસા મુદ્દે કલકત્તા હાઈકોર્ટ ભડકી છે. હાઈકોર્ટે બંગાળ સરકારને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું છે કે તે રામનવમીએ હિંસા થઈ છે તેવા ચૂંટણી ક્ષેત્રોમાં મતદાનની મંજૂરી જ નહીં આપે. રાજ્યમાં આચારસંહિતા લાગુ હોવા છતાં હિંસા થતી હોય તો રાજ્ય પોલીસ અને કેન્દ્રીય દળો શું કરે છે? તેઓ હિંસા કેમ રોકી શક્યા નહીં તેવો પણ હાઈકોર્ટે સવાલ કર્યો હતો.
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીએ શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. પોલીસે હિંસા કરનારા તત્વોની જગ્યાએ શોભાયાત્રામાં ભાગ લેનારા હિન્દુ સંગઠનોના લોકો પર લાઠીચાર્જ કર્યો હતો.
હિંસાના કેસોના સંદર્ભમાં કલકત્તા હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગણમના અધ્યક્ષપદે બેન્ચે કહ્યું કે લોકો શાંતિ અને સદ્ભાવમાં રહી ના શકે તો અમે કહીશું કે ચૂંટણી પંચ આ જિલ્લામાં લોકસભા ચૂંટણી કરાવી શકે નહીં. આ જ એકમાત્ર રીત છે. આચારસંહિતા લાગુ હોવા છતાં લોકોના બે જૂથો આ રીતે લડી રહ્યા છે તો તેઓ કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિઓને લાયક નથી.
બેન્ચે કહ્યું કે રાજ્યમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ૭ મે અને ૧૩ મેના રોજ ચૂંટણી થવાની છે. અમારું માનવું છે કે અહીં મતદાન ના થવું જોઈએ. ચૂંટણીનો શું લાભ છે? કોલકાતામાં પણ ૨૩ સ્થળો પર શોભાયાત્રા નીકળી હતી, પરંતુ કોઈ અપ્રિય ઘટના ઘટી નથી.
આચારસંહિતા લાગુ હોવા છતાં હિંસા થાય તો પોલીસ શું કરી રહી છે? કેન્દ્રીય દળો શું કરી રહ્યા હતા? બંને સુરક્ષા એજન્સીઓ હિંસા કેમ રોકી શકી નહીં. અત્યાર સુધી કેટલા લોકોની ધરપકડ કરાઈ છે?
હાઈકોર્ટે કહ્યું કે અમે ચૂંટણી પંચને ભલામણ કરીશું કે જે લોકો શાંતિથી ઊજવણી કરી શકે નહીં, તેમને ચૂંટણીમાં ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ નહીં. અમે ચૂંટણી પંચને બહરામપુર ક્ષેત્રમાં ચૂંટણી ટાળવા ભલામણ કરીશું. બંને પક્ષોની અસહિષ્ણુતા અસ્વીકાર્ય છે.
જોકે, હાઈકોર્ટે ચૂંટણી રોકવા સંબંધે હજુ સુધી કોઈ આદેશ આપ્યો નથી. આ કેસમાં આગામી સુનાવણી શુક્રવારે થશે. મુર્શિદાબાદ જિલ્લામાં ગયા સપ્તાહે ૧૭ એપ્રિલને રામનવમીએ શોભાયાત્રા દરમિયાન હિંસક અથડામણ થઈ હતી.
કેટલાક લોકો પોતોના ઘરોની છત પરથી પથ્થરમારો કરી રહ્યા હતા. આવા સમયે શોભાયાત્રાને વિખેરવા માટે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો અને ટીયરગેસના શેલ છોડયા હતા.