– અજયની મૈદાન જેવા હાલ થવાની વકી
– મૂળ ગયાં વર્ષે ડિસેમ્બરમાં રીલિઝ થવાની હતી, હવે આગામી નવેમ્બર સુધી ઠેલાઈ
મુંબઇ : આદિત્ય રોય કપૂર અને કોંકણા સેન શર્મા તથા સારા અલી ખાન સહિતના કલાકારો ધરાવતી ‘મેટ્રો ઈન દિનોં’ની રીલિઝ વધુ એક વાર ઠેલાઈ છે. અજય દેવગણની ‘મૈદાન’ પણ બે વર્ષથી ઢેબે ચઢતી ચઢતી છેક ગયા અઠવાડિયે રીલિઝ થઈ હતી અને ત્યાં સુધીમાં તેને લગતો બઝ ઓસરી ચૂક્યો હોવાથી આ ફિલ્મ ફલોપ થઈ હતી. હવે ‘મેટ્રો ઈન દિનોં’ પણ આ જ પંથે હોવાનું મનાય છે.
અનુરાગ બસુની આ ફિલ્મ વાસ્તવમાં ગયાં વર્ષે ડિસેમ્બરમાં જ રીલિઝ થઈ જવાની હતી. પરંતુ, એક યા બીજા કારણોસર તેની રીલિઝ ડેટ વારંવાર બદલાતી રહી છે. ગત માર્ચ, આ એપ્રિલ અને પછી આગામી સપ્ટેમ્બરની જુદી જુદી રીલિઝ ડેટ અગાઉ નક્કી થઈ હતી. હવે અનુરાગ બસુએ આગામી નવેમ્બરમાં ફિલ્મ રીલિઝ કરવાની જાહેરાત કરતાં ચાહકો દ્વારા ભારે ટીકા થઈ રહી છે. વાસ્તવમાં ૨૦૦૭માં આવેલી ‘લાઈફ ઈન મેટ્રો’ ફિલ્મ બહુ હિટ થઈ હતી અને ઈરફાન ખાન, કે કે મેનન, કોંકણા સેન શર્મા, કંગના રણૌત ઉપરાંત ધર્મેન્દ્ર સહિતના કલાકારો ધરાવતી આ ફિલ્મ આજે પણ ડિજિટલ મીડિયા પર લોકો માણે છે અને તેના ગીતો ગણગણે છે.
આથી જ ‘મેટ્રો ઈન દિનોં’ એ પણ ભારે ઈંતજારી જગાવી છે. પરંતુ, હવે સમયસર પ્રોજેક્ટ પૂર્ણ નહીં થતાં સર્જકો જૂની ફિલ્મની ગુડવીલ ગુમાવી રહ્યા છે.