નવી દિલ્હી : લોકપ્રિય ફેશન ઇન્ફ્લુઅન્સર સુરભિ જૈનનું કેન્સર સામેની લાંબી લડાઈ બાદ ૩૦ વર્ષની વયે નિધન થયું છે. જૈન ઇન્સ્ટાગ્રામ પર જંગી ફેન ફોલોઇંગ ધરાવે છે. તે ઓવેરિયન કેન્સરની સારવાર લઈ રહી હતી. જૈને છેલ્લે બે અઠવાડિયા પહેલાકરેલી પોસ્ટમાં હોસ્પિટલના બિછાને પડેલો તેનો ફોટો શેર કર્યો હતો. તેણે લખ્યું હતું કે હું જાણું છું કે હુ તમને બધાને મારી હેલ્થ વિશે અપડેટ કરી રહી નથી, જેને લઈને મને દરરોજે સંદેશાઓ મળતા રહે છે. પરંતુ મારા માટે બધુ બરોબર નથી. બહુ શેર કરવા લાયક રહ્યું નથી. છેલ્લા બે મહિના મોટાભાગનો સમય મેં હોસ્પિટલમાં વીતાવ્યો છે. સારવાર ચાલી રહી છે, આ અત્યંત મુશ્કેલ છે અને હું આ બધાનો અંત આવે તેમ ઇચ્છું છું. તેના કુટુંબે તેના મૃત્યુના સમાચાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા. તેનું ગુરુવારે નિધન થયું હતું અને ૧૯મી એપ્રિલના રોજ ગાઝિયાબાદમાં તેના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. સુરભિને ૨૭ વર્ષની વયે બીજી વખત કેન્સરનું નિદાન થયું હતું. આ પહેલા ૨૭ વર્ષની વયે વહેલી વખત નિદાન થયું ત્યારે તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનના લીધે તેને ૧૪૯ સ્ટિચ આવ્યા હતા.