Image Source: Twitter

Kieron Pollard And Tim David Fined: મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચ કીરોન પોલાર્ડ અને હિટર બેટ્સમેન ટિમ ડેવિડ પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારે ભરખમ દંડ ફટકાર્યો છે. પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં મુંબઈના બેટિંગ કોચ અને બેટ્સમેનને એક ભૂલ મોંઘી સાબિત થઈ છે જેના કારણે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. પોલાર્ડ અને ટિમ ડેવિડે પંજાબ સામે IPLની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું.

BCCIએ એક નિવેદનમાં કહ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન ટિમ ડેવિડ અને બેટિંગ કોચ કીરોન પોલાર્ડ પર 18 એપ્રિલે પીસીએ ન્યૂ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ મુલ્લાંપુરમાં પંજાબ કિંગ્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની મેચ દરમિયાન IPLની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.

નિવેદનમાં આગળ કહ્યું કે, પોલાર્ડ અને ડેવિડે IPLની આચાર સંહિતાના આર્ટિકલ 2.20 હેઠળ લેવલ 1નો ગુનો કર્યો છે. ડેવિડ અને પોલાર્ડને તેમની મેચ ફીના 20%નો દંડ ફટકારવામાં આવ્યો છે. બંનેએ ગુનો કબૂલ કર્યો હતો અને મેચ રેફરીની મંજૂરી સ્વીકારી હતી.

આખરે કઈ વાતની મળી સજા? 

જોકે, BCCIએ એ સ્પષ્ટ નથી કર્યું કે પોલાર્ડ અને ડેવિડને કયા ગુના માટે દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ ક્યાંકને ક્યાંક એ સ્પષ્ટ થાય છે કે BCCIએ બંને પર પંજાબ કિંગ્સ સામે DRS માટે ડગઆઉટમાંથી સંકેત આપવા બદલ દંડ ફટકાર્યો છે. સૂર્યકુમાર યાદવ જ્યારે પંજાબ કિંગ્સ સામેની મેચમાં બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ટિમ ડેવિડ અને કિરોન પોલાર્ડે તેને ડગઆઉટમાંથી ઈશારો કરીને વાઈડને રિવ્યૂ કરવા માટે કહ્યું હતું.

આ ઘટના મુંબઈની ઈનિંગની 15મી ઓવરમાં બની હતી. આ દરમિયાન અર્શદીપ સિંહ પંજાબ તરફથી બોલિંગ કરી રહ્યો હતો. મુંબઈના હેડ કોચ માર્ક બાઉચર પણ વાઈડનો ઈશારો કરતો નજર આવ્યો હતો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવએ વાઈડ માટે રિવ્યુ લીધો અને પછી આ બોલને વાઈડ આપવામાં આવ્યો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *