Asian Olympic Qualifier : ભારતની સ્ટાર પહેલવાન વિનેશ ફોગાટે (Wrestler Vinesh Phogat) પેરિસ ઓલિમ્પિક માટે 50 કિલો કેટેગરીમાં સ્થાન મેળવી લીધું છે. ફોગાટે કિર્ગિસ્ટાનની રાજધાની બિશ્કેકમાં રમાઈ રહેલી એશિયાઈ ઓલમ્પિક ક્વોલિફાયરની સમિફાઈનલમાં કજાકિસ્તાન (Kazakhstan)ની લૌરા ગનિક્યજી (Laura Ganikyzy)ને હરાવી આ ઉપલબ્ધી મેળવી છે. વિનેશે 50 કિલો કેટેગરીની સેમીફાઈનલમાં લૌરાને 10-0થી હરાવી છે. આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચનાર પહેલવાનોને પેરિસ ઓલમ્પિક 2024માં સ્થાન મળશે.
ફોગાટે અગાઉ કોરિયા અને કમ્પોડિયાને હરાવ્યું હતું
વિનેશ ફોગાટે તેની શરૂઆતની મેચમાં એક મિનિટ 39 સેકન્ડમાં કોરિયાઈ સ્પર્ધક મિરાન ચિયોનને હરાવી હતી. ત્યારબાદની મેચમાં ફોગાટે કંમ્બોડિયાની એસમાનાંગ ડિટને માત્ર 67 સેકન્ડમાં હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી. હવે તેણે સેમિફાઈનલમાં જીત મેળવી મોટી સફળતા હાંસલ કરી છે.
અંશુ મલિકની પણ પેરિસ ઓલમ્પિકના ક્વોટામાં એન્ટ્રી
બીજીતરફ અંશુ મલિકે પણ મહિલાઓની 50 કિલો કેટેગરીમાં ભારત માટે ક્વોટા હાંસલ કર્યું છે. અંશુએ એશિયાઈ ઓલમ્પિક ક્વોલિફાયરની સેમિફાઈનલમાં ઉજબેકિસ્તાનની રેસલરને 10-0થી પરાજય આપ્યો છે. જોકે માનસી 62 કિલો કેટેગરીમાં સેમિફાઈનલમાં હારી જતા તે ક્વોટા મેળવી શકી નથી.
26 જુલાઈથી શરૂ થશે પેરિસ ઓલમ્પિક
29 વર્ષિય વિનેશ ફોગાટે વર્ષ 2019 અને 2022ની વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન 53 કિલોવર્ગની કેટેગરીમાં કાંસ્ય અને વર્ષ 2018માં રમાયેલ એશિયાઈ સ્પર્ધામાં 50 કિલોવર્ગ કેટેગરીમાં સુવર્ણપદક જીત્યો હતો. આ વર્ષે શરૂ થનારી પેરિસ ઓલમ્પિક સ્પર્ધા 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી રમાશે.
ઉલ્લેખનિય છે કે, થોડા મહિનાઓ અગાઉ મહિલા પહેલવાનોની જાતીય સતામણીના કેસમાં WFIના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ (Brij Bhushan Sharan Singh) વિરુદ્ધ ભારે વિરોધ થયો હતો. આ વિરોધમાં દેશના ત્રણ મુખ્ય પહેલવાનોમાં વિનોશ ફોગાટ પણ સામેલ હતી. દિલ્હી પોલીસે બ્રિજભૂષણ સામે કેસ નોંધ્યો હતો, જોકે જુલાઈમાં સ્થાનિક કોર્ટે તેમને જામીન આપી દીધા હતા.