KKR vs RCB: આજે IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore) વચ્ચે ઈડન ગાર્ડન્સ (Eden Gardens)માં મેચ રમાશે. છેલ્લા સ્થાને રહેલી RCBની આશા ફરી એકવાર વિરાટ કોહલી (Virat Kohli) પર ટકી રહેશે. છેલ્લી મેચમાં કેકેઆરને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામેની રોમાંચક મેચમાં 2 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં આજે બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે.
રોયલ ચેલેન્જર્સની ધૂંધળી આશા
રોયલ ચેલેન્જર્સ પોઈન્ટ ટેબલમાં તળિયે છે અને કુલ છ તેમજ છેલ્લી પાંચેય મેચ સળંગ હાર્યું છે હવે તેઓએ આગેકૂચ કરવાની શક્યતા જીવંત રાખવી હોય તો તેઓની પ્રત્યેક મેચને સેમી ફાઈનલની જેમ રમવી પડશે. બેંગ્લોર હજુ સુધી એક પણ વખત આઈપીએલમાં ચેમ્પિયન નથી બન્યું અને આ વખતે પણ લગભગ નિષ્ફળ ગયું છે તેમ કહી શકાય. બેંગ્લોર તેની બાકીની સાતેય મેચ જીતે તો જ પ્લે ઓફમાં પ્રવેશી શકે તેમ છે.
બેંગ્લોરની કંગાળ બોલિંગ એટેક
બેંગ્લોરની આવી પડતીનું કારણ તેઓનો કંગાળ બોલિંગ એટેક છે. તમામ ટીમોમાં સૌથી નબળા બેંગ્લોરના બોલરો છે. કોહલી, ડુપ્લેસિસ અને દિનેશ કાર્તિક તેમનો બનતો પ્રયત્ન કરે છે બેંગ્લોર સ્કોર પણ સન્માનજનક નોંધાવે છે પણ બોલરો ક્લબ કક્ષા સામે આંતરરાષ્ટ્રીય સ્ટાર જેવા પુરવાર થાય છે. કેપ્ટન ડુપ્લેસિસે પણ કહેવું પડ્યું છે કે, અમે બેટિંગ થકી જેટલા મહત્તમ રન બનાવીએ તે જ અમારી આશા છે. મોટો સ્કોર છતાં તેઓ હારી ચૂક્યા છે.
જોસેફ મોંઘો બોલર
સનરાઈઝર્સ હૈદ્રાબાદે બેંગ્લોર સામે 3 વિકેટે 287 રન મુક્યા હતા જે તમામ આઈપીએલનો સર્વોચ્ચ સ્કોર છે. બેંગ્લોર તેમના સૌથી મોંઘા ખરીદાયેલા બોલર અલઝારી જોસેફ અને સિરાજ બંનેને આજની મેચમાં સમાવશે તેમ મનાય છે. ત્રણ મેચમાં જોસેફે એક જ વિકેટ ઝડપી છે અને પ્રતિ ઓવર 12.89 રન આપ્યા છે તે રૂા. 11.50 કરોડમાં ખરીદાયો છે.
મેક્સવેલથી નિરાશા
બેંગ્લોરનો મેક્સવેલ લગાતાર નિષ્ફળતા બાદ માનસિક રીતે ભાંગી પડ્યો છે. અને જાતે જ ટીમ મેનેજમેન્ટને વિનંતી કરી ખસી ગયો છે. આમ બેંગ્લોરે એક મેચ વિનર મનાતો બેટસમેન અને તેની સ્પિન બોલિંગ બંનેની ખોટ સહન કરવી પડી છે.
દિનેશ કાર્તિક પર નજર
બેંગ્લોર તરફથી કોહલીનો 135નો સ્ટ્રાઈક રેટ ચિંતાનો વિષય છે. તેણે 72.20ની એવરેજથી 364 રન કર્યા છે. ડુપ્લેસિસે આ સીઝનમાં 232 રન કર્યા છે. જો કે, દિનેશ કાર્તિકે બેંગ્લોર તરફથી ચાહકોના દિલ જીતી લીધા છે. હૈદ્રાબાદ સામે 35 બોલમાં 83 રનની તેની ઈનિંગ યાદગાર હતી.
નારાયણ ગજબ ફોર્મમાં
નારાયણ ગજબનો બેટિંગ ફોર્મમાં છે તેની સુપર સદી છતાં કોલકાતાના હાથમાંથી રાજસ્થાન રોયલ્સનો બટલર છેલ્લા બોલે વિજય ઝૂંટવી ગયો હતો. નારાયણે 187ના સ્ટ્રાઈક રેટ સાથે આ સીઝનમાં 276 રન ફટકાર્યા છે તે પછી સોલ્ટનો સ્કોર 155 પ્લસના સ્ટ્રાઈક રેટ સાથેનો છે. રિંકુ સિંઘ અને રસેલ જેવા ઘરખમેં બેટસમેન મર્યાદિત તક મળી છે.
સ્ટાર્ક ફ્લોપ રહ્યો
કોલકાતાને ફાસ્ટ બોલર સ્ટાર્કની ખર્ચાળ બોલિંગ પણ સતાવે છે કેમ તે આ આઈપીએલનો સૌથી મોંઘો ખરીદાયેલો ખેલાડી છે. વરૂણ ચક્રવર્તી, હર્ષિત રાણા, મુજીબ ઉર રહેમાન અન્ય બોલરો છે.