Vadodara BJP Councillors Father Video Viral: વડોદરાના નવીધરતી ગોલવાડ વિસ્તારમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાનો દાદાગીરી કરતો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા કોર્પોરેટરના પિતા બાઈક પર દંડા સાથે ધવલ નામના વ્યક્તિને શોધી રહ્યા છે. લોકસભાની ચૂંટણી ટાણે મહિલા કાઉન્સિલરના પિતાનો આ કથિત વીડિયા વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કારણ બન્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના વોર્ડ નંબર સાતના મહિલા કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતાનો એક કથિત વીડિયો વાઇરલ થયો છે. જેમાં તેઓ મોડી રાત્રે બાઈક ઉપર દંડો સાથે રાખીને નીકળેલા જોવા મળી રહ્યા છે. તેઓ ધવલ નામના યુવાનને શોધતા જોવા મળી રહ્યા છે. ‘ધવલ ક્યાં છે?’ કહી હાજર લોકોના ટોળામાંથી એક વ્યક્તિ સાથે રકઝક કરી રહ્યાં હતાં. જો આ કથિત વીડિયો મહિલા કોર્પોરેટરના પિતાનો હોય તો આજના કહેવાતા સેવાના રાજનેતાઓ સામે ઘણાં સવાલો ઉઠે છે. શું પ્રજાના સેવક આવા હોય? ચૂંટણી સમયે પક્ષની વિચારધારા સામે વર્તન કરવાની જરૂર આ મહાશયને કેમ પડી? શહેર સંગઠન આ બાબતની ગંભીર નોંધ લેશે? ખુલ્લેઆમ દંડા લઈ દાદાગીરી કરતા આ મહાશય સામે પોલીસ કાર્યવાહી કરશે?