પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા મિત્રને ઝડપી પાડ્યો
પોલીસના જણાવ્યા અનુસાર હત્યારો અને મૃતક બંને હમવતનીઓ
હત્યાની ઘટના સુરતના નાનપુરા વિસ્તારમાં બનવા પામી
સુરતના નાનપુરા વિસ્તારમાં માત્ર 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રને ગડદાપાટુનો માર મારી મોતને ઘાટ ઉતારી દિધો છે. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા મિત્રને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર હત્યારો અને મૃતક બંને હમવતનીઓ છે. જ્યાં હત્યારાએ મૃતકને 400 રૂપિયા હાથ-ઉછીના આપ્યા હતા. જે રૂપિયા પરત ન કરતા બંને વચ્ચે માથાકૂટ અને તકરાર થઈ હતી. જે તકરાર અને માથાકૂટ હત્યામાં પરિણમી હતી.
હત્યાની ઘટના સુરતના નાનપુરા વિસ્તારમાં બનવા પામી
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ હત્યારા મિત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ જાણે દિવસે દિવસે સામાન્ય બનતી જઈ રહી છે. જ્યાં હત્યાની વધુ એક ઘટના સુરતના નાનપુરા વિસ્તારમાં બનવા પામી છે. જેમાં હત્યા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા નહીં પરંતુ મૃતકના જ મિત્ર દ્વારા કરવામાં આવી છે. અઠવા પોલીસ મથક પાસેથી મળતી જાણકારી અનુસાર, સુરતના નાનપુરા ખાતે આવેલ મક્કાઇપુલ સ્થિત ફૂટપાથ પર ભુરિયો ઉર્ફે બહારપુરીયા અને તેનો મિત્ર સંબંધમાં હમવતનીઓ થાય છે.
મિત્ર ભુરીયાને 400 રૂપિયા હાથ -ઉછીના આપ્યા હતા
રામકિશોર પ્રધાન દ્વારા પોતાના મિત્ર ભુરીયાને 400 રૂપિયા હાથ -ઉછીના આપ્યા હતા. જે રૂપિયા પરત કરી દેવાનો વાયદો ભુરીયાએ કર્યો હતો. પરંતુ મુદત પૂરી થઈ હોવા છતાં ભૂરીયાએ આ રૂપિયા પરત કર્યા નહોતા. જેના કારણે બંને વચ્ચે અવારનવાર બોલાચાલ અને માથાકૂટ થતી હતી. જ્યાં બે દિવસ પહેલા ફરી બંને મિત્રો વચ્ચે રૂપિયા 400 ની લેતીદેતી મામલે ફરી બોલાચાલ થઈ હતી. જે બોલાચાલ અને મારામારી હત્યામાં પરિણમી હતી. રામ કિશોર પ્રધાન દ્વારા પોતાના જ મિત્રને લાતો અને છુટ્ટા હાથ વડે ગદડાપાટુનો માર મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. હત્યાની આ ઘટના બાદ પોલીસે મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.