Image Twitter
Lok Sabha Elections 2024: કેન્દ્રીય મંત્રી પુરષોતમ રુપાલાએ ટિપ્પણી કરતાં ક્ષત્રિયો રોષે ભરાયા છે. રવિવારે રાજકોટમાં ક્ષત્રિય સંમેલનમાં જનસેલાબ ઉમટતા સરકાર વિચારમાં મૂકાઇ છે. એટલુ જ નહીં, કમલમના ઘેરાવનો ફિયાસ્કો થયો હતો જયારે રાજકોટમાં સંમેલનમાં લાખોની જનમેદની ઉમટી પડી હતી. આ મામલે ભાજપ મોવડીમંડળે અને સરકારે માહિતી માંગી છે.
ક્ષત્રિય સંમેલનના મુખ્ય કર્તાહર્તા કોણ, ફંડિગ કોણે કર્યું, પડદા પાછળ કોણ??
રાજકોટમાં ક્ષત્રિય સંમેલન પર સરકાર જ નહીં, ભાજપ મોવડી મંડળે પણ ચાંપતી નજર રાખી હતી. સંમેલનમાં કાઠી,ગુર્જર,કારડિયા સહિત અન્ય ક્ષત્રિયો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. રૂપાલાની ટિકિટ રદ કરોની માગ સાથે એકમંચ પર હાજર રહી ક્ષત્રિયોએ શક્તિ પ્રદર્શન કરતાં ભાજપની ચિંતામાં વધારો થયો છે. ભાજ મોવડી મંડળ જ નહીં, સરકાર પણ વિચારમાં છેકે, કમલમના ઘેરાવ મુદ્દે ક્ષત્રિયો બે ફાડચામાં વહેચાયો હતો. જયારે રાજકોટમાં લાખોની સંખ્યામાં એકત્ર થઇ એક મંચ પર આવતાં સરકારને ભીતિ છેકે, આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ જોતાં રાજ્ય સરકારે આઇબી પાસેથી વિગતો માંગી છે. સાથે સાથે ભાજપ મોવડી મંડળે સ્થાનિક નેતાઓ પાસેથી વિગતો એકત્ર કરવાનુ શરૂ કર્યુ છે.
જો રુપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ક્ષત્રિય મતદારો કોંગ્રેસ તરફ જઇ શકે છે
ક્ષત્રિય સંમેલનના મુખ્ય કર્તાહર્તા કોણ હતાં? સમગ્ર સંમેલનમાં ફંડિગ કોણે કર્યું ? કોઇ અધિકારીઓની ભૂમિકા છેકે નહીં ? લાખોની જનમેદની કેવી રીતે એકત્ર કરાઇ? આ ઉપરાંત રાજકોટ સ્થિત ક્ષત્રિય આંદોલન પાછળ ભાજપના અસંતુષ્ટોની પડદા પાછળની ભૂમિકા શું રહી છે તે મુદ્દે વિગતો મેળવાઇ રહી છે. સરકારને સંદેહ છેકે, ક્ષત્રિય સંમેલનમાં જનસેલાબ ઉમટી પડયો હતો એ સ્વયંભૂ ભીડ હતી કે પછી અસંતુષ્ટોનો હાથ હતો. ભાજપને ઘેરવા માટે અસંતુષ્ટો પણ મેદાને પડયા છે ત્યારે મોવડીમંડળને ચિંતા છેકે, જો આજ સ્થિતી રહી તો, ચૂંટણી પ્રચાર કરવો મુશ્કેલ બનશે. ભલે ક્ષત્રિય મતદારો ભાજપના ઉમેદવારને હરાવી શકે તેમ નથી પણ જીતના માર્જીનમાં જરૂરથી ફરક પાડી શકે તેમ છે. ભાજપને એવી પણ ડર સતાવી રહ્યો છેકે, જો રૂપાલાની ટિકિટ રદ નહી કરવામાં આવે તો ક્ષત્રિય મતદારો જે ભાજપની મજબૂત વોટબેન્ક ગણાય છે તે સરકીને કોંગ્રેસ તરફ જઇ શકે છે. આમ, ભાજપ મોવડીમંડળ અને રાજ્ય સરકાર કોઇપણ ભોગે ક્ષત્રિયોને મનાવવા એડીચોટીનું જોર લગાવશે તે નક્કી છે.
પાટીદાર પેટર્ન પર ક્ષત્રિય આંદોલન: અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં મહાસંમેલન યોજાય તેવી શક્યતા
ક્ષત્રિયોએ પણ પાટીદાર પેટર્ન પર રૂપાલા સામે આંદોલન છેડયુ છે. અનામત આંદોલન વખતે જેમ પાટીદારો રસ્તા પર ઉતરી પડયા હતાં તેમ જ હવે ક્ષત્રિયો પણ એક મંચ પર આવ્યા છે. રાજકોટમાં આયોજીત સંમેલનમાં ક્ષત્રિય નેતાઓથી માંડીને કાર્યકરોએ સુવ્યવસ્થિત રીતે કાબિલે તારીફ આયોજન કર્યુ. સભા સ્થળે પણ આખુય મેનેજમેન્ટ ક્ષત્રિય કાર્યકરોએ સંભાળ્યુ હતું. તે વખતે પાટીદાર આંદોલનની સ્પષ્ટ ઝલક જોવા મળી હતી. ક્ષત્રિયોએ ભાજપને ૧૯મી સુધી અલ્ટીમેટમ આપ્યુ છે. જો રૂપાલાની ટિકિટ નહી કપાય તો અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ પર ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાય તેવી સંભાવના છે.
ભાજપ ક્ષત્રિયોને મનાવી લેશે
ક્ષત્રિયોના વિરોધવંટોળ વચ્ચે હજુય ભાજપ રૂપાલાની તરફેણમાં છે. ભાજપ મોવડીમંડળ હજુપણ રૂપાલાના ટિકિટ કાપવાના મતમાં નથી. આ તરફ, ભાજપને આશા છેકે, ક્ષત્રિયો માની જશે. પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે પણ આ વાતને સમર્થન આપતા કહ્યુંકે, ભાજપ આ મામલે ગંભીર છે. ક્ષત્રિય આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ. અમને આશા છેકે, આ વિવાદનો સુખદ અંત આવશે. ઉલ્લેખનીય છેકે, આવતીકાલે મંગળવારે રાજકોટમાં પરષોત્તમ રૂપાલા વાજતે ગાજતે ફોર્મ ભરવા જશે. એટલુ જ નહીં, મોટી સંખ્યામાં કાર્યકરોને એકત્ર કરી શક્તિ પ્રદર્શન પણ કરશે.