મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની 17મી સીઝન માટે રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાની કેપ્ટન તરીકે નિમણૂક કરવાની જાહેરાત કરી, ત્યારથી ફ્રેન્ચાઈઝી અને પંડ્યા બંને સતત ચાહકોની ટીકાઓનો સામનો કરી રહ્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્માની સદી છતાં 20 રને મેચ હારી ગઈ હતી. આ મેચમાં હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાની સૌથી વધુ ટીકા થઈ રહી છે, જે CSKની ઈનિંગની છેલ્લી ઓવર નાખવા આવ્યો હતો અને તેણે 26 રન આપ્યા. આ મેચ બાદ ઈંગ્લેન્ડ ટીમના ભૂતપૂર્વ ખેલાડી કેવિન પીટરસને હાર્દિકની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, તેને જોઈને સ્પષ્ટ થાય છે કે, તે એક્ટિંગ કરી રહ્યો છે.
કેવિન પીટરસને હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વિશે કહ્યું કે, ‘મને લાગે છે કે આ સમયે રમતની બહાર જે કંઈ થઈ રહ્યું છે તે દરેક વસ્તુ હાર્દિક પંડ્યાને પ્રભાવિત કરી રહી છે. જ્યારે મેં તેને ટોસના સમયે જોયો ત્યારે સ્પષ્ટ દેખાતું હતું કે, તે જબરદસ્તીથી હસતો હતો, એવું લાગતું હતું કે, હાર્દિક પટેલ એક્ટિંગ કરી રહ્યો છે. આ સમયે તે બિલકુલ ખુશ નથી. 20મી ઓવરમાં હાર્દિક પંડ્યાની બોલિંગ પર જ્યારે ધોની સિક્સ ઉપર સિક્સ મારી રહ્યાં હતા ત્યારે તમે સ્ટેડિયમમાંથી જ હાર્દિકની સામે ઉઠી રહેલા સૂરને સાંભળી શકતા હતા. હાર્દિક સામે મોટા પાયે વિરોધ છે. તે પણ ભારતીય ખેલાડી છે અને તેની પણ લાગણીઓ છે. જો તેની સાથે આ રીતે વ્યવહાર કરવામાં આવે તો તેને ફરક પડશે.’
ગાવસ્કરે કેપ્ટનશિપના મોરચે હાર્દિકની ટીકા કરી
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે હાર્દિક પંડ્યાની આકરી ટીકા કરી હતી. ગાવસ્કરે કહ્યું કે, ‘મેં લાંબા સમય પછી આવી ખરાબ બોલિંગ જોઈ છે. હાર્દિકને એ વાતનો સ્પષ્ટ ખ્યાલ હતો કે, તેની પાસે એવી બોલિંગ છે કે, જેના પર ધોની સરળતાથી સિક્સર ફટકારી શકે, તો પણ તમે તેને એવી લેન્થ બોલિંગ કરી રહ્યા છો કે, જેના પર કોઈ પણ બેટ્સમેન આવી સ્થિતિમાં બોલ ફેન્સ સુધી પહોંચાડી શકે છે. બોલિંગ સામાન્ય કરતાં સાવ નીચે હતી અને મેચમાં તેની કેપ્ટનશિપ પણ ઘણી નબળી રહી હતી.’