Iran-Israel Relations History: ઈઝરાયલ અને ઈરાન વચ્ચના તણાવનો ઈતિહાસ ઘણો જૂનો છે. ગાઝામાં ઈઝરાયલ (Israel)ના હુમલાને લઈને બંને વચ્ચે સતત શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું હતું. પરંતુ પહેલી એપ્રિલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાની દૂતાવાસ પર ઈઝરાયલના હુમલામાં સાત સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા. ત્યારે ઈરાને (Iran) જવાબી કાર્યવાહીમાં શનિવારે (13મી એપ્રિલ) ઈઝરાયલ પર હુમલો કરી દીધો હતો.

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ  

ઈઝરાયલની સેનાએ કહ્યું કે, ‘શનિવારે મોડી રાત્રે દેશ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાન તરફથી ડ્રોન, બેલિસ્ટિક મિસાઈલ અને ક્રુઝ મિસાઈલો છોડવામાં આવી હતી. પરંતુ તેને હવામાં જ ખતમ કરી દેવાઈ હતી.’ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (IRGC)એ કહ્યું કે, ‘આ હુમલો ચોક્કસ લક્ષ્યોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.’ ત્યારે એ જાણવું મહત્ત્વનું છે કે, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવની વૈશ્વિક અર્થતંત્ર પર આની શું અસર થવાની છે, ભારત પર શું અસર પડશે અને બંને દેશો વચ્ચેના સંબંધોનો ઈતિહાસ શું રહ્યો છે?

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના બંધોનો ઈતિહાસ શું રહ્યો છે?

ઈરાન અને ઈઝરાયલ મિડલ ઈસ્ટના આ બંને દેશ એકબીજાના કટ્ટર દુશ્મન માનવામાં આવે છે. આ દુશ્મનીનું મખ્ય કારણ પેલેસ્ટાઈન રહ્યું છે. જો કે, બહુ ઓછા લોકો જાણતા હશે કે, ઈરાન વિશ્વના એવા કેટલાક દેશોમાં સામેલ હતું જેણે ઈઝરાયલને સૌપ્રથમ માન્યતા આપી હતી. પરંતુ સમય જતા પરિસ્થિતિ વિપરીત થઈ ગઈ અને આજે સ્થિતિ એવી કે આ બંને દેશ યુદ્ધની અણી પર ઊભા છે.

વર્ષ 1925થી 1979 સુધી ઈરાન પર શાસન કરનાર પહલવી રાજવંશ હેઠળ બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ સારા રહ્યા હતા. ઈરાન વર્ષ 1948માં ઈઝરાયલને માન્યતા આપનારો બીજો મુસ્લિમ દેશ હતો. જો કે, ઈરાનના પૂર્વ વડાપ્રધાન મોહમ્મદ મોસાદેગની સરકાર હેઠળ વર્ષ 1951માં સંબંધો બગડવા લાગ્યા, પરંતુ 1953માં તખ્તોપલટતા તેમના સ્થાને પશ્ચિમી દેશોના સમર્થક મોહમ્મદ રેઝા પહલવીને દેશના શાસક બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને દેશો વચ્ચેના સંબંધો સારા થવા લાગ્યા હતા અને ઈઝરાયલે ઈરાનની રાજધાની તેહરાનમાં દૂતાવાસ પણ ખોલ્યો હતો. 1970ના દાયકામાં બંને દેશોમાં એકબીજાના રાજદૂત પણ હતા. વેપાર સંબંધો પણ વધ્યા અને ઈરાન ઈઝરાયલને તેલની નિકાસ પણ કરી રહ્યું હતું. આ ઉપરાંત ઈરાને ઈઝરાયલ અને પછી યુરોપમાં તેલના નિકાસ માટે પાઈપલાઈન લગાવી હતી. બંને દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પણ થઈ રહ્યો હતો. જો કે, પછી પરિસ્થિતિ બદલાવા લાગી અને બંને વચ્ચે સંઘર્ષ શરૂ થયો.

ઈસ્લામિક ક્રાંતિએ સંબંધ બદલી નાખ્યા

વર્ષ 1979માં ઈસ્લામિક ક્રાંતિ પછી શાહ પહલવીને સત્તા પરથી હટાવવામાં આવ્યા અને ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનનો જન્મ થયો. જેના નેતા આયાતુલ્લાહ રૂહોલ્લાહ ખોમેનીએ એક વિચાર સાથે આવ્યા હતા જેમાં દેશમાં ઈસ્લામિક દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. પશ્ચિમી દેશો સાથેના સંબંધો તોડી નાખવામાં આવ્યા હતા અને પેલેસ્ટિનિયનો માટે ઊભા રહેવાની હાકલ કરવામાં આવી હતી. ત્યાં સુધીમાં દુનિયાને ઈઝરાયલ દ્વારા પેલેસ્ટાઈનીઓ વિરુદ્ધ થઈ રહેલી કાર્યવાહી વિશે ખબર પડી હતી.

ઈરાને પેલેસ્ટાઈનીઓ પર અત્યાચારનું કારણ આપીને ઈઝરાયલ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. બંને દેશોના નાગરિકો હવે એકબીજાના દેશોમાં મુસાફરી કરી શકશે નહીં. તેહરાનમાં ઈઝરાયેલી દૂતાવાસને પેલેસ્ટિનિયન દૂતાવાસમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. ઈરાને પેલેસ્ટાઈનીઓ સાથે ઊભું રહેવાનું શરૂ કર્યું, જેના કારણે ઈઝરાયલ સાથે દુશ્મની વધી ગઈ. તેણે લેબનોન અને સીરિયા જેવા દેશો દ્વારા ઈઝરાયલ પર હુમલા પણ શરૂ કર્યા. અહીંથી જ બંને દેશના સંબંધો બગડવા લાગ્યા હતા.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના તણાવથી ભારત પર શું અસર થશે?

હવે એ જાણવું મહત્ત્વનું છે કે, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવની અસર ભારત પર કેવી જોવા મળશે. ભારતના બંને દેશો સાથે સંબંધો સારા છે. જેથી ઈરાનના હુમલા બાદ ભારતે તરત જ નિવેદન જાહેર કરીને બંને પક્ષોને શાંતિ જાળવવા કહ્યું હતું. ભારતે કહ્યું કે, ‘અમે બંને દેશો વચ્ચે વધી રહેલી દુશ્મનાવટથી ચિંતિત છીએ. અમે ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના તણાવને ઘટાડવા, સંયમ રાખવા, હિંસાથી દૂર રહેવા અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવા અપીલ કરીએ છીએ.’

ઈરાનમાં લગભગ 10 હજાર ભારતીય નાગરિકો રહે છે, જ્યારે ઈઝરાયલમાં ભારતીયોની સંખ્યા 18 હજારની આસપાસ છે. પરંતુ જો અહીં યુદ્ધની સ્થિતિ સર્જાય તો ભારત માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ગલ્ફ દેશોમાં રહે છે. યુદ્ધની પરિસ્થિતિમાં તેમને બધાને બહાર લઈ જવાનો સૌથી મોટો પડકાર હશે. આ ઉપરાંત ભારતે ગલ્ફ દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ કર્યું છે, જેના પર યુદ્ધનું  જોખમ મંડરાઇ રહ્યું છે.

ભારત માટે ચાબહાર બંદરનું સંચાલન કરવું મુશ્કેલ બનશે

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારત અને ઈરાન ધ્યાન ચાબહાર બંદરના વિકાસ પર છે, જે પાકિસ્તાનના ગ્વાદર બંદરથી માત્ર 200 કિમી દૂર છે. યુદ્ધની સ્થિતિમાં ભારત માટે ચાબહાર બંદરનું સંચાલન કરવું મુશ્કેલ બનશે. આ ઉપરાંત ઈન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) ફરી એકવાર ચર્ચામાં છે, જે ભારત-રશિયા માટે મુખ્ય વેપાર માર્ગ છે. યુદ્ધના કારણે આ માર્ગથી થતા વેપારને અસર થશે.

ઈંધણની કિંમતો વધી શકે છે

આઈએનએસટીસીથી ઈરાનના માર્ગથી મધ્ય એશિયા અને રશિયા સાથે વેપાર કરી શકાય છે. સુએઝ નહેર માર્ગ કરતાં આ સસ્તો અને વધુ આર્થિક માર્ગ છે. એટલું જ નહીં આ બંને દેશો વચ્ચેના યુદ્ધને કારણે ઈંધણની કિંમતો વધી શકે છે. તેની સીધી અસર ભારત પર પડશે. યુદ્ધથી ઈંધણનો પુરવઠો ખોરવાશે અને કિંમતોમાં વધારો થશે. આ કારણે ભારતમાં મોંઘવારી વધી શકે છે.

વિશ્વ પર શું અસર પડશે?

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધથી અન્ય દેશો પણ ચિંતિત છે. તેનું સૌથી મોટું કારણ ગલ્ફ દેશોમાંથી ઓઈલનો પુરવઠો છે. વિશ્વને એ ચિંતા છે કે યુદ્ધના કારણે ઈંધણની કિંમતો આસમાને પહોંચશે. આ યુદ્ધની સંભાવના સાથે તેલના ભાવ છ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. આર્થિક મંદી વચ્ચે વિશ્વના અર્થતંત્રમાં આ યુદ્ધ ભારે તબાહી લાવી શકે છે. વિશ્વનું અર્થતંત્ર મોટાભાગે ઈંધણ પર આધારિત છે, જો ઈંધણની કિંમતોમાં વધારો વિશ્વને મોંઘવારી તરફ દોરી શકે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *