ભૂ-રાજકીય પરિસ્થિતિ અસ્થિર બની ગઈ છે

ઉ. કોરિયાએ તેનું શસ્ત્ર ઉત્પાદન વધારી દીધું છે હાઇપર સોનિક મિસાઇલ્સ બનાવ્યા છે કહે છે કોઈ પણ હુમલાનો તે કટ્ટર જવાબ આપશે

સીઉલ: ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઉને કહ્યું હતું કે, વિશ્વની ભૂ-રાજકીય પરિસ્થિતિ અસ્થિર બની ગઈ છે. વિશેષતઃ આપણા દેશ આસપાસની પરિસ્થિતિ તો ઘણી જ અસ્થિર બની ગઈ છે. તેથી હવે પહેલા કદી ન હતી તેટલી યુદ્ધ-તૈયારીઓ શરૂ કરી દેવાનો સમય આવી ગયો છે.

ઉત્તર કોરિયાના પાટનગર નજીક આવેલી દેશની મુખ્ય લશ્કરી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને બુધવારે સાંજે કરેલા સંબોધનમાં કોમરેડ કીમ જોંગ ઉને પોતાના કીમ જોંગ ઇલના નામે રચેલી આ મિલિટરી એન્ડ પોલિટિકલ સાયન્સ યુનિવર્સિટીમાં કહ્યું હતું કે, જો આપણા શત્રુઓ ડેમોક્રેટિક પીપલ્સ રીપબ્લિક ઓફ કોરિયા (ડીપીઆરકે) ઉપર હુમલો કરવાની જરા પણ કાર્યવાહી કરશે તો ડીપીઆરકે તેનો કટ્ટર જવાબ આપશે જ. તેમ કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (કેસીએનએ) ગુરુવારે જણાવ્યું હતું. 

કીમ જોંગ ઉને તે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સમક્ષ ગઇકાલે સાંજે આ વક્તવ્ય આપ્યું હતું. 

ઉને વધુમાં વિશ્વની ગૂંચવણભરી રાજકિય પરિસ્થિતિ અને અનિશ્ચિત તથા અસ્થિર બની રહેલી વૈશ્વિક ભૂ-રાજકિય પરિસ્થિતિ અંગે શ્રોતાવર્ગનું ધ્યાન દોર્યું હતું.

ઉલ્લેખનીય છે કે કીમે પુતિન સાથેના કરારો તાજેતરમાં જ વધુ ઘનિષ્ટ કર્યા હતા. જે પ્રમાણે રશિયા ઉ. કોરિયાને પરમાણુ ટેકનોલોજી સહિત અન્ય શસ્ત્રોમાં આધુનીકરણની ટેકનિક તેને આપવાનું છે. જેના બદલામાં ઉ. કોરિયા રશિયાને યુક્રેન યુદ્ધમાં ઉપયોગી બને તેવા શસ્ત્રો આપવાનું છે.

ઉ. કોરિયાએ તાજેતરમાં જ સોલિડ ફયુએલમાં હાઇપર સોનિક મીડીયમ રેન્જ મિસાઇલનું પરિક્ષણ કર્યું હતું. તે પૂર્વે તેણે ૧૨૫૦૦ જઈ શકે તેવા ઇન્ટર-કોન્ટીનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ (આઈસીબીએમ)નું સફળ પરિક્ષણ કર્યું હતું. જે અમેરિકાના ન્યૂયોર્ક બાલ્ટિમોર, વોશિંગ્ટન અને ફલોરિડાના માયામી સુધી પરમાણુ શસ્ત્રોનો અચૂક પ્રહાર કરી શકે તેવો છે. તાજેતરમાં યુએસ અને દ. કોરિયાએ કરેલી સંયુક્ત લશ્કરી કવાયત પ્રત્યે આક્રોશ ઠાલવતાં ઉને કહ્યું હતું કે તેથી આ વિસ્તારમાં તંગદિલી વધશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *