– એકસાથે બે ફિલ્મોની રીલિઝ ડેટ જાહેર
– ધોની પર આધારિત મી. એન્ડ મિસિસ માહીમાં રાજકુમાર રાવ સહકલાકાર
મુંબઇ: છેલ્લા કેટલાય સમયથી થિયેટર સ્ક્રીન પર ઓછી અને સોશિયલ મીડિયામાં જ ઝાઝી દેખાતી જાહ્વવી કપૂરની બે ફિલ્મોની રીલિઝ ડેટ આખરે જાહેર થઈ છે. તેની ‘મી. એન્ડ મિસિસ માહી’ આગામી મે માં જ્યારે ‘ઉલઝ’ આગામી જુલાઈમાં રજૂ થશે.
ગયાં વર્ષે જાહ્નવીની ‘બવાલ’ ફિલ્મ રીલિઝ થઈ હતી. તે પછી તેણે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ તથા ‘તેરી બાતોં મે ઐસા ઉલઝા જિયા’માં કેમિયો કર્યા હતા.
‘મિ. એન્ડ મિસિસ માહી’ ફિલ્મ મહેન્દ્ર સિંહ ધોની પર આધારિત છે. આ ફિલ્મમાં રાજ કુમાર રાવ ધોનીના પાત્રમાં છે. આ ફિલ્મ લાંબા સમયથી તૈયાર થઈને પડી હોવાનું કહેવાય છે પરંતુ તેની રીલિઝ ડેટ જાહેર થતી ન હતી. છેલ્લા અહેવાલો અનુસાર ફિલ્મ તા. ૧૯મી એપ્રિલે રીલિઝ થવાની હતી પરંતુ તે ડેટ પણ લંબાઈ હતી. આખરે કરણ જોહરે ફિલ્મ તા. ૩૧મી મે એ રીલિઝ થશે તેવી સત્તાવાર જાહેરાત કરી છે.
જાહ્વવીની બીજી ફિલ્મ ‘ઉલઝ’નું શૂટિંગ પણ લગભગ છ માસ કરતાં પણ વધારે સમય અગાઉ પૂર્ણ થઈ ચૂક્યું હતું. આ ફિલ્મ માં જાહ્નવી કપૂર એક આઈએફએસ ઓફિસરનો રોલ કરી રહી છે. તેની સાથે રાજેશ તૈલંગ અને આદિલ હુસૈન સહિતના કલાકારો છે. હવે આ ફિલ્મ આગામી જુલાઈમાં રીલિઝ કરાશે તેવી જાહેરાત કરાઈ છે.
જાહ્વવી તેની ફિલ્મો કરતાં પણ સોશિયલ મીડિયા અપિયરન્સથી જ વધારે ચર્ચામાં રહે છે. હાલમાં જ તે તેના પિતા બોની કપૂરે પ્રોડયૂસ કરેલી ‘મૈદાન’ ફિલ્મમાં તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયાના નામનો કસ્ટમાઈઝ્ડ નેકલેસ પહેરીને આવી હતી.