Image: Facebook
Hardik Pandya: IPL 2024 પહેલા હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હતો. 2023માં રમાયેલા વનડે વર્લ્ડ કપ દરમિયાન તેને ઈજા પહોંચી હતી જેના કારણે તે અમુક મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. હવે IPLમાં મુંબઈની કમાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાને લઈને મોટો દાવો કરતા કહેવામાં આવ્યું છે કે તે ઈજાગ્રસ્ત છે પરંતુ તે માની રહ્યો નથી.
ન્યુઝીલેન્ડના પૂર્વ ઝડપી બોલર સાઈમન ડૂલનું માનવું છે કે હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત છે. હાર્દિકે સીઝનની શરૂઆતી બે મેચમાં બોલિંગ કરી પરંતુ પછીની બંને મેચમાં તેણે બોલિંગ કરી નહીં અને પછી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે પાંચમી મેચમાં હાર્દિકે માત્ર એક ઓવર નાખી. હાર્દિકનું બોલિંગથી અંતર સાઈમન ડૂલના મનમાં એ વાતની શંકા ઊભી કરી રહ્યું છે કે મુંબઈનો કેપ્ટન ઈજાગ્રસ્ત છે.
સાઈમન ડૂલે ક્રિકબજ પર વાત કરતા કહ્યું, ‘તમે પહેલી મેચમાં પહેલી ઓવર નાખીને એક મિસાલ આપો છો અને પછી અચાનકથી તમારી જરૂર નથી. તે ઈજાગ્રસ્ત છે. હું જણાવી રહ્યો છું કે તેની સાથે કંઈક તો ખોટું છે. તે માની રહ્યો નથી. આ મારી ગટ ફીલિંગ છે’.
હાર્દિક તરફથી દિલ્હી સામે બોલિંગ ન કરવાને લઈને પ્રશ્ન કરવામાં આવ્યા હતા. હાર્દિકે જવાબ આપતા કહ્યું હતું કે તે ‘સાચા સમયે’ બોલિંગ કરશે.
હાર્દિકની ઈજા ટીમ ઈન્ડિયા માટે બની શકે છે મુશ્કેલી
હાર્દિક પંડ્યાની ઈજા મુંબઈની સાથે-સાથે ટીમ ઈન્ડિયા માટે પણ મુશ્કેલી પેદા કરી શકે છે. IPL બાદ જૂનથી ટી20 વર્લ્ડ કપ રમવામાં આવશે. જો હાર્દિક ખરેખર ઈજાગ્રસ્ત છે તો પછી આ ચિંતાની વાત છે. જોકે તેની સંભવિત ઈજા પર કોઈ સત્તાવાર જાણકારી આવી નથી.
ઉલ્લેખનીય છે કે હાર્દિક આ પહેલા વનડે વર્લ્ડ કપ 2023માં ઈજાગ્રસ્ત થયો હતો. ટુર્નામેન્ટની શરૂઆતી અમુક મેચ રમ્યા બાદ હાર્દિકને ઈજા પહોંચી હતી. આ ઈજાથી વાપસી કરવામાં હાર્દિકને થોડા મહિનાનો સમય લાગ્યો હતો.