Chess Master Manush Shah: ગુજરાતના યુવાનો રમત ગમત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. અમદાવાદના માનુષ શાહે ચેસની દુનિયામાં દેશ-વિદેશમાં ભારત અને ગુજરાતનો ડંકો વગાડ્યો છે. ચેસની રમતમાં અનેક સિદ્ધિઓ હાંસલ કર્યા પછી તે હવે એકલવ્ય સિનિયર એવોર્ડનો પણ દાવેદાર બન્યો છે.
18 વખત ગુજરાત સ્ટેટ ચેસ ચેમ્પિયન
ઈન્ટરનેશનલ માસ્ટર (IM) માનુષ શાહ 18 વખત ગુજરાત સ્ટેટ ચેસ ચેમ્પિયન અને ત્રણ વખત ઑલ ઈન્ડિયા ફિડે રેટેડ ચેસ ચેમ્પિયન રહી ચૂક્યો છે. તેણે નાની ઉંમરમાં 24 દેશોમાં ચેસ રમીને ચેસમાં ઈન્ટરનેશનલ માસ્ટર (IM)નું બિરૂદ મેળવ્યું છે. નોંધનીય છે કે, 100 વર્ષમાં ચેસની દુનિયામાં ભારતમાંથી ફક્ત 124 જેટલાં ઈન્ટરનેશનલ માસ્ટર બની શક્યા છે, જેમાં હાલ ગુજરાતનો માનુષ શાહ પણ સામેલ છે.
ચેસમાં માસ્ટર ટાઈટલ મેળવ્યું
ચેસ માસ્ટર માનુષ શાહ ગુજરાત સ્ટેટ અને ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ચેસમાં ગ્રાન્ડ માસ્ટર બનવા અવારનવાર વિદેશમાં રમવા જાય છે. નોંધનીય છે કે, યુરોપનાં બેલગ્રાડે ખાતેની ચેસની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં માનુષ શાહે 9 પૈકી 5.5 પોઇન્ટ મેળવી ત્રણ ગ્રાન્ડ માસ્ટરને પરાજિત કર્યા હતા. વર્ષ 2023માં તેણે દુબઈમાં અને આઈસલેન્ડમાં પણ માસ્ટર ટાઈટલ મેળવ્યું હતું. ગુજરાત સ્ટેટ ચેસ ચેમ્પિયશન માનુષ શાહે 2405 રેટિંગ પ્રાપ્ત કરતા આગામી એકલવ્ય સિનિયર એવોર્ડ માટે દાવેદાર બન્યા છે.
અનેક મોટા એવોર્ડ પણ જીત્યા છે
18 વખત ગુજરાત સ્ટેટ ચેસ ચેમ્પિયન અને ત્રણ વાર ઑલ ઈન્ડિયા ફિડે રેટેડ ચેસ ચેમ્પિયન રહી ચૂકેલો માનુષ શાહ જયદીપસિંઘજી એવોર્ડ અને સરદાર પટેલ એવોર્ડથી પણ સન્માનિત છે. ઓક્ટોબર 2018માં તેણે FIDE માસ્ટર ટાઈટલ પણ જીત્યું હતું. ડિસેમ્બર 2018 અને ફેબ્રુઆરી 2019માં તેણે ઈન્ટરનેશનલ માસ્ટર નોર્મ હોલ્ડર બનવાની સિદ્ધિ મેળવી હતી. ત્યાર પછી સર્બિયામાં 2022માં પણ તે ત્રીજી વાર ઈન્ટરનેશનલ માસ્ટર નોર્મ હોલ્ડર બન્યો હતો.