Parshottam Rupala Controversy: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદથી ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે. સમગ્ર ગુજરાતમાં સંમેલન, રેલી, પોસ્ટર દ્વારા વિરોધ, ગામમાં ભાજપ નેતાઓની પ્રવેશબંધી સહિતના વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે. તો આગામી 14 એપ્રિલ 2024ના રોજ રાજકોટના રતનપર પર ખાતે ક્ષત્રિય-રાજપૂત સમાજ દ્વારા મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલન વડાપ્રધાન મોદીની સભા પહેલા યોજાશે. તો આ વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે, અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાને માફી આપવામાં આવી છે. કાઠી ક્ષત્રિય સમાજ તરફથી રૂપાલા વિરૂદ્ધના આંદોલનનો અંત લવાયો છે. ત્યારે આ જોતા હાલ રૂપાલા વિરૂદ્ધના આંદોલનમાં ફાંટા પડતા જોવા મળી રહ્યા છે.
રાજકોટમાં અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજે ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યું છે કે, ‘કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને ટેકો જાહેર કર્યો છે. કાઠી ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને માફી પણ આપી છે. કાઠી સમાજની કોર કમિટીએ મળીને આ નિર્ણય લીધો છે. જે દરમિયાન ચોટીલા, અમરેલી, બોટાદ, રાજુલા, જૂનાગઢ સહિતના વિસ્તારોના કાઠી આગેવાનો હાજર રહ્યા હતા.’
14 તારીખના કાર્યક્રમમાં કાઠી ક્ષત્રિય સમાજ ભાગ નહીં લે : કાઠી ક્ષત્રિય સમાજ
કાઠી સમાજના અગ્રણી દ્વારા જણાવાયું છે કે, ‘આજે અમારી કોર કમિટીની મિટિંગ મળી હતી. કાઠી ક્ષત્રિય સમાજ મળીને ભાજપ અને વડાપ્રધાન મોદીને સમર્થન આપે છે એ બદલ કાઠી સમાજ અને તમામનો આભાર માનું છું. અમારું ભાજપને પુરેપુરુ સમર્થન જ છે. 14 તારીખના કાર્યક્રમમાં કાઠી ક્ષત્રિય સમાજ ભાગ નહીં લે અને આગામી દિવસોમાં અમે આંદોલનમાં પણ નહીં જોડાઈએ. અમે ભાજપને તન મન અને ધનથી ટેકો આપીશું. રામ અમારા ઈષ્ટદેવ છે અને ભાજપે રામ મંદિર બનાવ્યું છે.’
ભાજપના તમામ ઉમેદવારોને અને રૂપાલાને પણ મદદ કરીશું : કાઠી ક્ષત્રિય સમાજ
અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ મુનાભાઈ વિંછીયાએ જણાવ્યું છે કે, ‘કાઠી સમાજ વડાપ્રધાન મોદીને જ સપોર્ટ કરવાનો છે. કોર કમિટીએ નિર્ણય લીધો છે જે સમાજને સર્વમાન્ય જ હોય છે. મિટિંગમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના કાઠી સમાજના આગેવાનો હાજર હતા. સૂર્યવંશી કાઠી સમાજે રૂપાલાને માફી આપી છે. અમે હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે છીએ. સમગ્ર દેશમાં કાઠી સમાજની 17 લાખની વસ્તી છે. વડીલો જે નિર્ણય કરે તે વ્યાજબી હોય છે. માફ કરવાનો ક્ષત્રિય ધર્મ છે. વડાપ્રધાન મોદીના ઉમેદવારો ઉભા છે તેને અમે સપોર્ટ કરીએ છીએ. અમે રૂપાલાને પણ મદદ કરીશું. અમારી બીજી કોઈ કંડિશન નથી. વડાપ્રધાન મોદીની કામગીરીથી અમને સંતોષ છે. અમને વર્તમાન સરકારોએ મદદ કરી છે. ભાજપની સાથે છીએ અને રહેશું. વડાપ્રધાન મોદીની વિચારધારા સાથે રહેવાના છીએ. ગુજરાતની 26 બેઠકો પર કાઠી ક્ષત્રિય સમાજ ટેકો જાહેર કરે છે. રૂપાલાને ટેકો આપવો અમારી નૈતિક ફરજ છે. અમે આંદોલનમાં સામેલ નહીં થઈએ.’
ભાજપ જે ઉમેદવાર ઉભા રાખે તેને ટેકો આપવો અમારી ફરજ : કાઠી ક્ષત્રિય સમાજ
વધુમાં કાઠી સમાજના આગેવાને જણાવ્યું કે, ‘રામભક્તને વરેલો કાઠી સમાજ વડાપ્રધાન મોદીનો હાથ મજબૂત કરવાની વેળાએ સમગ્ર કાઠી સમાજ એક અવાજે વડાપ્રધાન મોદી અને ભાજપની સાથે ખભેખભો મિલાવીને સાથે છે. કાઠિયાવાડ-સૌરાષ્ટ્રનો કાઠી સમાજ પ્રાચીન સમયથી હિન્દુત્વને સંપૂર્ણપણે વરેલો સમાજ છે. સમગ્ર વિશ્વ અરાજકતા અને રાજકીય અસ્થિરતા અનુભવી રહ્યું છે. ત્યારે સ્થિર અને પ્રામાણિક માર્ગદર્શન પ્રજામાં સિંચીને વડાપ્રધાન મોદીને ત્રીજી વખત દેશનું નેતૃત્વ પુરુ પાડવા લડી રહ્યા હોય ત્યારે કાઠી સમાજ 2024ની ચૂંટણીમાં મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે. કાઠીઓનો ઇતિહાસ હિન્દુત્વ અને સનાતનની સાથે રહ્યા છીએ. અમે હાલ પણ તેની સાથે જ છીએ. ભાજપ અને વડાપ્રધાન મોદી સાથે રહેવા માંગીએ છીએ. ભાજપે જે ઉમેદવારો ઉભા રાખ્યા છે તેને ટેકો આપવો અમારી નૈતિક ફરજ છે. અમે કાયમ ભાજપ સાથે જ છીએ.’
તન મન ધનથી ભાજપને ટેકો : કાઠી ક્ષત્રિય સમાજ
કાઠી સમાજે કહ્યું કે, ‘સૂર્ય મંદિર ફરવા લાયક સ્થળ બન્યું છે. નવા સૂર્ય દેવળની ખાસ મુલાકાત લેજો. ઘણા બધા ઋણ ચુકવવાનો સમય આવ્યો છે. ત્યારે સમાજે નક્કી કર્યું છે કે, ભાજપને જેટલો દઈ શકીએ તેટલો તન મન અને ધનથી ટેકો આપવો છે. વિવાદ સાથે અમારે કોઈ લેવા દેવા નથી. સામાજિક રીતે અમારો ક્ષત્રિય સમાજ સાથે જ છીએ. પરંતુ કોઈ માફી માગે કે મંગાવે તે અમારી પ્રકૃતિ નથી. અમારા તમામ આગેવાનો તરફથી સમાજને વિનંતી છે અને સમાજ સાથે પણ છે. અમે કોઈના પ્રેશરમાં આવીને નિર્ણય નથી લીધો. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સવાલ, વડાપ્રધાન મોદીનો સવાલ આવતો હોય ત્યારે તમામ પ્રશ્નોને ગૌણ માનીને અમારી ફરજમાં આવે છે.’