Image: Facebook

Baba Ramdev Patanjali Case: યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના એમડી બાલકૃષ્ણને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. કોર્ટે બિનશરતી માફી માગનાર તેમના સોગંદનામાનો સ્વીકાર કરવાની ના પાડી દીધી છે. આ મામલાની આગામી સુનાવણી હવે 16 એપ્રિલે થશે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે નિષ્ક્રિયતા માટે રાજ્ય લાઇસન્સિંગ ઓથોરિટીને પણ ફટકાર લગાવતા કહ્યું છે કે, ‘આ વાત હળવાશથી નહીં લેવાય.’ આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ પતંજલિ આયુર્વેદ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ ઉત્તરાખંડ સરકારની પણ ટીકા કરી છે. 

પતંજલિ પર કોણે કેસ કર્યો હતો?

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ ઓગસ્ટ 2022માં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. પતંજલિએ એક જાહેરખબરમાં જણાવ્યું હતું કે, ‘એલોપેથી, ફાર્મા અને મેડિકલ ઈન્ડસ્ટ્રીથી પોતાને અને દેશને બચાવો.’ બાબા રામદેવે એલોપેથીને ‘મૂર્ખ અને નાદાર વિજ્ઞાન’ પણ ગણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, ‘એલોપેથીક દવા કોવિડ-19 થી થનારા મોત માટે જવાબદાર છે.’ આ દરમિયાન ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને દાવો કર્યો કે ‘પતંજલિના કારણે પણ લોકો રસી લેતા ખચકાઈ રહ્યા છે.’ 

પહેલી સુનાવણીમાં શું-શું થયું?

આ મામલે પહેલી સુનાવણી 21 નવેમ્બર 2023એ થઈ હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ અમાનુલ્લાહે મૌખિક રીતે પતંજલિને ચેતવણી આપી કે, ‘તમારા ઉત્પાદનો બીમારીઓને સંપૂર્ણ રીતે ઠીક કરી શકે છે એવું કહેવું અયોગ્ય છે. આ માટે તમારા દરેક ઉત્પાદન પર રૂ. એક કરોડનો દંડ થઈ શકે છે.’ આ દરમિયાન પતંજલિનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ પ્રવક્તા સાજન પૂવૈયાએ કોર્ટને કહ્યું હતું કે ‘અમે કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન નહીં કરીએ.’ 

કેસ ફરીથી કેમ ખુલ્યો?

15 જાન્યુઆરી 2024એ સુપ્રીમ કોર્ટને ખોટી અને ભ્રામક જાહેરાતોના સતત પ્રકાશન મુદ્દે ચીફ જસ્ટિસ અને જસ્ટિસ અમાનુલ્લાહને સંબોધિત એક અનામી પત્ર મળ્યો. આ અંગે ધ્યાન આપતા 27 ફેબ્રુઆરીએ જસ્ટિસ હેમા કોહલી અને અહસન્નુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે પતંજલિ આયુર્વેદ અને તેના એમ.ડી. આચાર્ય બાલકૃષ્ણને પહેલાના આદેશોનું ઉલ્લંઘન કરવા અને કંપનીના ઉત્પાદનોની સાથે બીમારીઓની સારવાર વિશે ભ્રામક દાવાઓનો પ્રચાર ચાલુ રાખવા બદલ અવમાનના નોટિસ ફટકારી હતી. 

આ ઉપરાંત સરકાર પાસે પણ આ મામલે જવાબ માગવામાં આવ્યો. જસ્ટિસ અમાનુલ્લાહે કહ્યું, ‘બે વર્ષ સુધી તમે રાહ જોતા રહ્યા જ્યારે ડ્રગ્સ એક્ટ કહે છે કે તે પ્રતિબંધિત છે?’ ત્યાર પછી કોર્ટે પતંજલિ ઔષધીય ઉત્પાદનોની કોઈ પણ અન્ય જાહેરાત કે બ્રાન્ડિંગ પર આગામી આદેશ સુધી પૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો.

જ્યારે સુપ્રીમ કોર્ટના જજ ભડક્યા

આ દરમિયાન 19 માર્ચે કોર્ટને જણાવાયું કે, ‘અવમાનના નોટિસનો જવાબ દાખલ કરાયો નથી.’ ત્યાર પછી કોર્ટે બાલકૃષ્ણ અને રામદેવની વ્યક્તિગત હાજરીનો આદેશ આપ્યો. તેમાં ઉત્તરાખંડ સરકારને પણ એક પક્ષ બનાવાયો. 21 માર્ચે બાલકૃષ્ણએ કથિત ભ્રામક જાહેરાતો મુદ્દે સુપ્રીમ કોર્ટમાં માફીનામું દાખલ કર્યું, જે કોર્ટે ફગાવી દીધું. આ દરમિયાન કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણની આકરી ટીકા કરી અને તેમની માફીને દેખાવો ગણાવી. 

નવમી એપ્રિલે રામદેવ અને બાલકૃષ્ણએ સુપ્રીમ કોર્ટથી બિનશરતી માફી માગી. રામદેવે નવેમ્બર 2023ની પ્રેસ કોન્ફરન્સ માટે પણ બિનશરતી માફી માગી. તેમણે કહ્યું, ‘મને એક ભૂલ પર ખૂબ અફસોસ છે અને હું કોર્ટને વિશ્વાસ અપાવું છું કે, આવું ફરી નહીં થાય. હું આદેશના પેરેગ્રાફ 3 માં નોંધાયેલા નિવેદનના ઉલ્લંઘન માટે બિનશરતી માફી માગુ છું’.

સુપ્રીમ કોર્ટ સંમત નથી

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘અમે આનો સ્વીકાર કરવાની ના પાડીએ છીએ. અમે આને જાણીજોઈને કરેલું ઉલ્લંઘન માનીએ છીએ. અવમાનના કરનારે અમને સોગંદનામું મોકલવું યોગ્ય સમજ્યું નહીં. તેમણે પહેલા તે મીડિયાને મોકલ્યું. કાલે સાંજે 07.30 વાગ્યા સુધી આ અમારા માટે અપલોડ કરવામાં આવ્યું નહોતું. તેનો અર્થ એ છે કે તમે સ્પષ્ટ રીતે પ્રચારમાં વિશ્વાસ કરો છો. તમે સોગંદનામાની સાથે છેડછાડ કરી રહ્યા છો. આ કોણે તૈયાર કર્યું, હું અચંબિત છું.’

કેટલા વર્ષની સજા થઈ શકે છે?

ધ ડ્રગ એન્ડ મેજિક રેમેડીઝ (ઓબ્જેક્શનેબલ એડવર્ટાઈઝમેન્ટ) એક્ટ 1954 હેઠળ ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવાના ગુના માટે છ મહિના સુધીની કેદ થઈ શકે છે. આ સિવાય બીજી વાર ગુનો કરવા બદલ જેલનો સમયગાળો એક વર્ષ સુધી વધી શકે છે.  ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 (સીપીએ) ની કલમ 89 માં કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ નિર્માતા જો ભ્રામક જાહેરખબર બનાવે છે, તો તેને બે વર્ષની કેદ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જેને પાંચ વર્ષ સુધી વધારી શકાય છે અને દંડની રકમને 50 લાખ રૂપિયા સુધી વધારી શકાય છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *