Lok Sabha Election 2024: ચૂંટણીમાં પક્ષો અને ઉમેદવારોની સૌથી મોટી ઓળખ તેમનું ચિહ્ન છે. ચૂંટણીઓ શરૂ થઈ ત્યારથી જ ચૂંટણીનું ચિહ્ન હંમેશાથી લોકપ્રિય રહ્યું છે. મોટાભાગના પક્ષોની ઓળખ તેના ચિહ્નની જ થાય છે. તો આ ચિહ્નની શરૂઆત કેવી રીતે અને કોને અને કેમ આ વિચાર આવ્યો હતો, તેના વિશેની માહિતી રસપ્રદ છે.
ભારતનો નીચો સાક્ષરતા દર જવાબદાર
દેશ આઝાદ થયો અને ત્યારબાદ પ્રથમ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ 1951-52માં શરૂ થઈ હતી. ત્યારે ચુંટણી પંચ સમક્ષ સૌથી મોટો પડકાર ભારતનો નીચો સાક્ષરતા દર હતો. તે સમયે ભારતમાં માત્ર 16 ટકાથી પણ ઓછા લોકો શિક્ષિત હતા. જેથી બિનશિક્ષિત લોકો કેવી રીતે પોતાની પસંદગીનો ઉમેદવાર પસંદ કરશે, તેના માટે વિચારણાઓ થઈ રહી હતી. અનેક મનોમંથન બાદ ચુંટણી આયોગે બેલેટ પેપરની રીત શોધાઈ.
બેલેટ પેપરનો ઉદ્ધભવ
દરેક ઉમેદવાર માટે એક અલગ બેલેટ બોક્સ બનાવવામાં આવ્યુ, જેના રંગ પણ જુદા-જુદા હતા. તેમજ ઉમેદવારોની પસંદગી માટે ચૂંટણી ચિહ્ન નક્કી કરવામાં આવ્યું, મોટાભાગના ચૂંટણી ચિહ્નો રોજિંદા જીવન સાથે જોડાયેલા હતા. જેથી સરળતાથી ઓળખી શકાય. ઉમેદવારો માટે બેલેટ બોક્સ બનાવી તેમાં નિર્ધારિત ચૂંટણી ચિહ્નનો સિમ્બોલ દોરવામાં આવ્યો. જેથી મતદારો સરળતાથી પોતાની પસંદગીનો ઉમેદવાર ઓળખી મત આપી શકે.
ચૂંટણી ચિહ્નનો ઉદ્દભવ
બેલેટ પેપર નાસિકની ઈન્ડિયા સિક્યોરિટી પ્રેસમાં છપાતા હતા. જ્યાં ભારતીય ચલણનું છાપકામ પણ થતુ હતું. જુદા-જુદા પક્ષ માટે જુદા-જુદા રંગના બેલેટ બોક્સમાં બેલેટ પેપર મારફત મતદાન આપવા માટે ચૂંટણી ચિહ્નનો વિચાર આવ્યો. એમએસ સેઠીએ પ્રથમ લોકસભાની ચૂંટણીમાં આ ચિહ્નોનો ઉદ્દભવ અને ડિઝાઈન પસંદ કરવામાં યોગદાન આપ્યું હતું. જેઓ ડ્રાફ્ટમેન તરીકે ચૂંટણી આયોગમાં 1950માં જોડાયા હતા. તેમનું કામ ચૂંટણી માટે ચિહ્ન બનાવવાનું હતું.
ચિહ્નોની પસંદગી
એમએસ સેઠી અને ચૂંટણી આયોગના અધિકારીઓ ચૂંટણી માટે ચિહ્ન પસંદ કરવા માટે કલાકો સુધી બેઠકો કરતાં હતા. બાદમાં તેમણે રોજિંદા જીવનની વસ્તુઓ કે જેને લોકો સરળતાથી ઓળખી શકે તેને ચૂંટણી ચિહ્ન તરીકે ઉપયોગમાં લેવા નક્કી કર્યું. જેમાં ઝાડુ, હાથી, સાયકલ, પતંગ, ગ્લાસ જેવા ચિહ્નો જુદા-જુદા પક્ષના ઉમેદવારો માટે નિર્ધારિત કરાયા. જેનું સ્કેચ સેઠી બનાવતા હતા.
સપ્ટેમ્બર, 1992માં સેઠી નિવૃત્ત થયા, ત્યારબાદ ચૂંટણી આયોગે ચિહ્નો બનાવવાના પદની નિમણૂક પર પૂર્ણવિરામ મૂક્યો હતો.
પક્ષ ચિહ્ન કેવી રીતે નિર્ધારિત કરે છે
આશરે 2002 બાદ આયોગે સેઠી દ્વારા બનાવવામાં આવેલા અનેક ચૂંટણી ચિહ્નોની યાદી જારી કરી હતી, જે ફ્રી સિમ્બોલ તરીકે ઓળખાય છે, જેને કોઈ પક્ષ દ્વારા સ્વીકૃત કરવામાં આવ્યા નથી. આ યાદીમાંથી નવા પક્ષો અને અન્યોને ચિહ્નો મળતા હતા.