Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તેઓ રોડ શો અને જાહેર સભાઓ સંબોધી રહ્યા છે. આ દરમિયાન તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ તપાસ એજન્સીઓની કાર્યવાહી ચાલુ છે અને આ કાર્યવાહી હવે અટકશે નહીં.’
સરકારની પ્રાથમિકતા ભ્રષ્ટાચારને ખતમ કરવાની: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘છેલ્લા 10 વર્ષમાં સરકારની પ્રાથમિકતા ભ્રષ્ટાચારને ખતમ કરવાની રહી છે. ભ્રષ્ટાચાર, ગમે તે સ્તરે, દેશના લોકોને અસર કરે છે. આવી સ્થિતિમાં દેશના લોકોના કલ્યાણ માટેના પૈસાની ચોરી કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ. ભ્રષ્ટાચાર સામેની લડાઈ અટકશે નહીં.’
ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના લાભ ગણાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘DBTએ 10 કરોડથી વધુ નકલી લાભાર્થીઓને દૂર કરવામાં સરકારને મદદ કરી છે. સરકારે આનાથી રૂ. 2.75 લાખ કરોડ બચાવ્યા છે. વર્ષ 2014 પહેલા ઈડીએ રૂ. 5,000 કરોડ સંપત્તિ જપ્ત કરી હતી. છેલ્લા 10 વર્ષમાં ઈડીએ જપ્ત કરાયેલી રકમ વધીને 1 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. 2014 પહેલા EDએ 34 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી, જ્યારે અમારી સરકારમાં 2200 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે. જો આ પૈસા ગરીબ લોકોના કલ્યાણ માટે ખર્ચવામાં આવ્યા હોત તો કેટલા લોકોને તેનો ફાયદો થયો હોત. યુવાનો માટે કેટલી તકો ઊભી કરી શકાઈ હોત. કેટલા નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શરૂ થઈ શક્યા હોત.’
ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો તફાવત
ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો તફાવત સમજાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભાજપ દેશને મજબૂત બનાવે છે, જ્યારે કોંગ્રેસ માત્ર પરિવાર પર ધ્યાન આપે છે. પહેલીવાર લોકોને ભાજપ મોડલ અને કોંગ્રેસ મોડલની સરખામણી કરવાની તક મળી છે. કોંગ્રેસે સંપૂર્ણ બહુમતી સાથે 5-6 દાયકા સુધી દેશમાં શાસન કર્યું. યે, ભાજપે પૂર્ણ બહુમતી સાથે શાસન કર્યાને માત્ર એક દાયકો વીત્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે પૂર્ણ બહુમતીની સરકાર હતી ત્યારે તેઓએ પરિવારને મજબૂત બનાવ્યો હતો, જ્યારે અમારી બહુમતી સરકારમાં અમારી પ્રાથમિકતા દેશ, ગામડાઓ, ગરીબો, મધ્યમ વર્ગ અને ખેડૂતોને મજબૂત કરવાની છે. છેલ્લા 10 વર્ષમાં જે કંઈ પણ થયું છે તે માત્ર ટ્રેલર છે. હજુ ઘણું કરવાનું બાકી છે. દેશને આગળ લઈ જવાનો છે.’