Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે સાત દિવસ જેટલો સમય બાકી છે ત્યારે રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. આ વચ્ચે આજે વડાપ્રધાન મોદી જમ્મુ કાશ્મીરનમાં એક રેલીને સંબોધિત કરીને બે મોટી જાહેરાતો કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે અને ટૂંક સમયમાં અહીં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. વડાપ્રધાનની આ જાહેરાત એટલા માટે પણ ખૂબ મહત્વની છે કારણ કે નેશનલ કોન્ફરન્સ અને પીડીપી સહિત તમામ રાજકીય પક્ષો કલમ 370 હટાવ્યા બાદથી જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની માંગ કરી રહ્યા છે.
ઈન્ડીયા ગઠબંધનને દેશના મોટાભાગના લોકોની પરવા નથી : PM મોદી
પોતાના સંબોધનમાં આગળ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ‘કોંગ્રેસ અને ઈન્ડીયા ગઠબંધનને દેશના મોટાભાગના લોકોની પરવા નથી. વડાપ્રધાને નોન-વેજ ફૂડનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘નવરાત્રિ દરમિયાન નોન-વેજ ફૂડનો વીડિયો બતાવીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડીને તેઓ (વિપક્ષ) કોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે? આજે જ્યારે હું બોલી રહ્યો છું, ત્યારપછી આ લોકો મારા પર અપશબ્દોનો મારો ચલાવશે. પરંતુ જ્યારે વસ્તુઓ અસહ્ય બની જાય છે, ત્યારે લોકશાહીમાં મારી જવાબદારી છે કે હું દેશને દરેક વસ્તુની સાચી બાજુ જણાવું. આ લોકો જાણી જોઈને આવું કરે છે જેથી આ દેશની માન્યતાઓ પર પ્રહાર થાય. આવું એટલા માટે થાય છે કે લોકોનો મોટો વર્ગ તેમના વીડિયો જોવામાં અસ્વસ્થતા અનુભવે છે. સમસ્યા આ શૈલીની છે જે તુષ્ટિકરણથી આગળ વધે છે, આ તેમની મુઘલ વિચારસરણી છે.
કાંડી ડેમ પ્રોજેક્ટ અમારી સરકારે પૂર્ણ કર્યો : વડાપ્રધાન
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ‘આ જ મેદાનમાં 10 વર્ષ પહેલા મેં કહ્યું હતું કે તમારે મારામાં વિશ્વાસ રાખવો જોઈએ. હું દાયકાઓ જૂના મુદ્દાઓ ઉકેલીશ. મેં મહિલાઓના સન્માન અને ગરિમાનું રક્ષણ કરવાની ખાતરી આપી હતી. લોકોને આગામી 5 વર્ષ સુધી મફત રાશન મળશે, જમ્મુ-કાશ્મીરના લોકોને આયુષ્માન મેડિકલ વીમા કવર મળી રહ્યું છે. અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. મોબાઈલ કનેક્ટિવિટી દૂરના વિસ્તારોમાં વિસ્તારવામાં આવી છે. મોદીની ગેરંટી એટલે પરિપૂર્ણતાની ગેરંટી. આ સિવાય શાહપુર કાંડી ડેમનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે શાહપુર કાંડી ડેમ પ્રોજેક્ટ જે દાયકાઓથી અટવાયેલો હતો તે અમારી સરકારે પૂર્ણ કર્યો છે. રાવીનું પાણી જે પાકિસ્તાન તરફ વહેતું હતું તે હવે બંધ થઈ જશે.
જમ્મુ કાશ્મીરમાં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાશે
જમ્મુ-કાશ્મીરની પાંચ લોકસભા બેઠકો માટે પાંચ તબક્કામાં ચૂંટણી યોજાશે. રાજ્યમાં 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે અને 20 મેના રોજ મતદાન થશે જેનું પરિણામ ચોથી જૂને આવશે. જમ્મુ-કાશ્મીરની ઉધમપુર બેઠક પર 19મી એપ્રિલે મતદાન થશે. જ્યારે જમ્મુ બેઠક પર 26મી એપ્રિલે મતદાન થશે. અનંતનાગ અને રાજૌરી બેઠકો માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. જ્યારે શ્રીનગર બેઠક પર 13 મેના રોજ મતદાન થશે. બારામુલા બેઠક માટે આખરે 20 મેના રોજ મતદાન થવાનું છે. લદ્દાખની એકમાત્ર લોકસભા બેઠક પર પણ 20 મેના રોજ મતદાન થશે.