– પ્લેન દુર્ઘટનાઓ અંગે નેપાળ કુખ્યાત બની ગયું છે

– ખટમંડુથી પોખરા જતું વિમાન ખટમંડૂનાં ત્રિભુવન એરપોર્ટ પરથી ઉડાન ભરતા રન વે પરથી સરકી જઈ ખાડામાં જઈ પડયું સળગી ગયું

ખટમંડુ : ખટમંડુથી પોખરા જઈ રહેલું ‘સૂર્ય એર’નું વિમાન ખટમંડુથી પોખરા જવા ઉડાન ભરતાં પહેલાં રન-વે ઉપરથી સરકી જઈ પાસેના ખાડામાં પડી ગયું સળગી ઉઠયું તેથી પ્લેનમાં રહેલા ૧૮ વ્યક્તિઓના કરૂણ મૃત્યુ થયા હતા જ્યારે પાયલોટ દુર્ઘટના અંગે ચેતી જઈ વિમાનમાંથી કૂદી પડતાં બચી ગયો હતો. વાસ્તવમાં પ્લેન પોખરા પહોંચે પછી તેમાં સમારકામ પણ કરવાનું હતું. પ્લેનમાં બે ક્રૂ-મેમ્બર્સ અને ૧૭ પ્રવાસીઓ હતા.

આ અંગે માહિતી આપતાં એરપોર્ટ સિક્યુરિટી ચીફ અર્જુન ચંદ ઠાકુરીએ કહ્યું હતું કે સિવિલ એવીએશન ઓથોરિટી ૯ એન-એએમઈ/સીઆરજે ૨૦૦ નંબર વાળું ‘સૂર્ય-એર’નું વિમાન આજે સવારે ૧૧.૧૧ મિનીટે ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી પોખરા જવા ઉપડતાં પહેલાં રનવે પરથી ઝડપભેર પસાર થઈ એર-બોર્ન થાય તે પહેલાં જ રન-વે પરથી સરકી જઈ બાજુનાં ખેતરમાં આવેલા ખાડામાં પડી ગયું અને સળગી ઊઠયું હતું. આ વિમાનમાં બોમ્બાર્ડીયર સીઆરજે-૨૦૦ પ્રકારના બંને બાજુએ જેટ એન્જિન્સ લગાડાયેલાં હતા. પરંતુ તે બંને ૨૦ વર્ષ જૂના થઈ ગયા હતા તેમ ‘ફલાઈટ-રેડાર-૨૪’ જણાવે છે.

આ અકસ્માતનું એક કારણ ખરાબ હવામાન પણ હોઈ શકે તેમ કહેતાં સમાચાર સંસ્થાઓ જણાવે છે કે, નેપાળ વિમાન દુર્ઘટનાઓ માટે કુખ્યાત બની ગયું છે. ૧૯૯૨માં પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સનું વિમાન એર-બસ ખટમંડુ પહોંચતાં પર્વતો સાથે અથડાયું હતું તેમાં ૧૬૭નાં મૃત્યુ થયા હતા. જાન્યુઆરી ૨૦૨૩માં ‘યતિ-એર-લાઇન્સ’નું વિમાન પોખરાના મધ્ય ભાગમાં જ તૂટી પડયું હતું તેમાં રહેલા પાંચ ભારતીય પ્રવાસીઓ સાથે તમામ ૭૨ પ્રવાસીઓના નિધન થયા હતા. તે પૂર્વે મે ૨૯, ૨૦૨૨માં થાણાના વતની તેવા ૪ ભારતીયો સહિત ૨૨ પ્રવાસીઓનાં નિધન થયા હતા.

નેપાળમાં હવામાન એકાએક પલટા લઈ લે છે. વિમાની અકસ્માતો માટે આ પણ એક મહત્વનું કારણ છે. બીજી તરફ હિમાલય અને સબ હીમાલયન પર્વતમાળાઓ પણ વિમાનોનાં ઉડ્ડયન (ચઢાણ તથા ઉતરાણ) માટે ભયરૂપ બની રહે છે. તેમાં ખરાબ હવામાન હોય ત્યારે ધુમ્મસ જામી જતાં પાયલોટની દ્રષ્ટિ મર્યાદા જ બહુ ટૂંકી થઈ જાય છે. પરિણામે વિમાન પર્વતો સાથે અથડાવાની ભીતિ રહેલી છે. તેટલું જ નહીં પરંતુ નેપાળનાં વિમાન ઘરોના રન-વે પણ ખરાબ છે. વારંવાર સમારકામ કરવું જ પડે જે નેપાળમાં યોગ્ય રીતે થતું નથી તેવું લાગે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *