Shubman Gill Break Virat Kohli Record | RR vs GT IPL 2024: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે 10 એપ્રિલના રોજ IPLના ઈતિહાસમાં એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગિલ IPLમાં 3,000 રન સુધી પહોંચનાર સૌથી ઓછી ઉંમરનો ખેલાડી બની ગયો છે. આમ ઈન્ડિયન પ્રીમિયર લીગની રેકોર્ડ બુકમાં શુભમન ગિલે પોતાના નામની એન્ટ્રી કરી લીધી છે. બીજી તરફ આ રોમાંચક મેચમાં ગુજરાતે છેલ્લા બોલ પર 3 વિકેટથી જીત મેળવી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 196/3 સ્કોર કર્યો હતો.
આ મેચમાં શુભમન ગિલે 24 વર્ષ અને 215 દિવસની ઉંમરમાં 3,000 IPL રન બનાવવાની મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ગિલે RCBના બેટ્સમેન વિરાટ કોહલીના રેકોર્ડને પછાડી દીધો છે. વિરાટ કોહલીએ 26 વર્ષ અને 186 દિવસમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.
ઓછી ઉંમરમાં 3,000 રન પૂરા કરવા મામલે સંજૂ સેમસન (26 વર્ષ અને 320 દિવસ) ત્રીજા સ્થાન પર છે. ત્યારબાદ સુરેશ રેના (27 વર્ષ અને 161 દિવસ) અને રોહિત શર્મા (27 વર્ષ અને 343 દિવસ)નો નંબર છે.
બીજી તરફ રાજસ્થાન રોયલ્સ સામે રમતા ગિલે 4000 T20 રન પણ પૂરા કર્યા છે. માત્ર 24 વર્ષની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરીને ગિલે એ બતાવી દીધુ કે તેને ભારતીય ક્રિકેટનો સૌથી શાનદાર પ્રતિભાશાળી ખેલાડી કેમ કહેવામાં આવે છે?
ગિલે IPLમાં 3,000 રન બનાવવા માટે 94 ઈનિંગ્સ રમી છે. તે IPLના ઈતિહાસમાં સૌથી ઓછી ઈનિંગ્સમાં 3000 રન બનાવનાર સંયુક્ત રીતે ચોથો સૌથી ઝડપી ખેલાડી છે. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલ 75 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવીને ટોપ પર છે, ત્યારબાદ કેએલ રાહુલ (80) અને જોસ બટલર (85)નો નંબર છે.
સૌથી ઓછી ઉંમરમાં 3,000 IPL રન
24 વર્ષ 215 – શુભમન ગિલ
26 વર્ષ 186 દિવસ – વિરાટ કોહલી
26 વર્ષ 320 દિવસ – સંજુ સેમસન
27 વર્ષ 161 દિવસ – સુરેશ રેના
27 વર્ષ 343 દિવસ – રોહિત શર્મા
IPLમાં 3,000 રન માટે સૌથી ઓછી ઈનિંગ્સ
75 – ક્રિસ ગેલ
80 – કેએલ રાહુલ
85 – જોસ બટલર
94 – શુભમન ગિલ
94 – ડેવિડ વોર્નર
94 – ફાફ ડુપ્લેસિસ
ગુજરાત અને રાજસ્થઆન રોયલ્સની વાત કરીએ તો મેચની છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર રાશિદ ખાને વિજયી ચોગ્ગો ફટકારતા ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સ સામેની IPL ટી20માં ત્રણ વિકેટથી દિલધડક જીત હાંસલ કરી હતી.