Image: Wikipedia
સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે ચૂંટણી લડનારા ઉમેદવારોએ તેમના કે તેમના આશ્રિતોની માલિકીવાળી તમામ જંગમ મિલકતનો ખુલાસો કરવાની જરૂર નથી. જ્યાં સુધી તેની કિંમત વધુ ના હોય કે તે વૈભવી જીવનશૈલી સાથે જોડાયેલી ન હોય. એક રિપોર્ટ અનુસાર સુપ્રીમ કોર્ટનો આદેશ 2019ના અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેજૂથી અપક્ષ ધારાસભ્ય કારિખો ક્રિ ના ચૂંટણીને અકબંધ રાખતા આવ્યો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે એક મતદાતાએ કોઈ ઉમેદવારની દરેક સંપત્તિ વિશે જાણવાનો સંપૂર્ણ અધિકાર નથી. જેમાં આગળ કહેવામાં આવ્યું કે એક ચૂંટણી ઉમેદવારે પોતાની ઉમેદવારીથી અપ્રસ્તુત બાબતોના સંબંધમાં ગોપનીયતાનો અધિકાર છે. આ આદેશ જસ્ટિસ અનિરુદ્ધ બોસ અને સંજય કુમારની બેન્ચે આપ્યો. આ સાથે જ તેમણે ગુવાહાટી હાઈકોર્ટના તે આદેશને પણ રદ કરી દીધો, જેમાં કારિખો ક્રિ ની ચૂંટણીને શૂન્ય જાહેર કરી દીધી હતી.
હરીફે કોર્ટમાં કર્યો હતો દાવો
અરજીમાં કારિખો ક્રિ ના હરીફે દાવો કર્યો હતો કે ધારાસભ્યએ પોતાનું નામાંકન દાખલ કરતી વખતે પોતાની પત્ની અને પુત્રની માલિકીવાળા 3 વાહનોનો ખુલાસો ન કરીને અયોગ્ય અસર ઊભી કરી. કોર્ટે કહ્યું કે કારિખો ક્રિ એ નામાંકન દાખલ કર્યાં પહેલા વાહન ભેટમાં આપ્યા હતા અથવા વેચ્યા હતા. આ પ્રકારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે વાહનોને હજુ પણ ક્રિ ના પરિવારની માલિકીવાળા માની શકાય નહીં.
અરજીકર્તાએ આ તર્ક આપ્યો હતો
સુપ્રીમ કોર્ટે અરજીકર્તાના આ તર્કને પણ ફગાવી દીધો કે ક્રિ એ પોતાની સંપત્તિની તમામ વિગતોનો ખુલાસો કરવો જોઈએ. કોર્ટે કહ્યું કે ઉમેદવારોએ પોતાની સંપત્તિનો ખુલાસો કરવો પડે જો તેનો તેમની ઉમેદવારી પર પૂરતો પ્રભાવ પડતો હોય. એ જરૂરી નથી કે એક ઉમેદવાર વસ્ત્ર, જૂતા, ક્રોકરી, સ્ટેશનરી, ફર્નીચર જેવી જંગમ સંપત્તિની દરેક વસ્તુ જાહેર કરે.