Rajnath Singh Replied To China: કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે (મંગળવાર) અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓના નામ બદલવા પર ચીનને આડેહાથ લીધું હતું. અરુણાચલ પ્રદેશ પૂર્વ મતવિસ્તારમાં નમસાઈમાં એક ચૂંટણી રેલીને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું હતું કે, ‘શું ભારતનું નામ બદલવાથી પાડોશી દેશના વિસ્તારો ભારતનો ભાગ બની જશે? ઉત્તરપૂર્વીય રાજ્યમાં 30 સ્થળોના નામ બદલવાના ચીનના નિર્ણયથી જમીની હકીકત બદલાશે નહીં.’
રક્ષા મંત્રીએ અરુણાચલ મુદે ચીનને આપ્યો જવાબ
ચાનને જવાબ આપતા રાજનાથ સિંહે કહ્યું હતું કે, ‘અમે અમારા બધા પડોશીઓ સાથે સારા સંબંધો જાળવી રાખવા માગીએ છીએ. પરંતુ જો કોઈ અમારા સ્વાભિમાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તો ભારત પાસે યોગ્ય જવાબ આપવાની ક્ષમતા છે.’
ચીનનો નિર્ણય મૂર્ખામીભર્યો
ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે જંગનાનમાં પ્રમાણિત ભૌગોલિક નામોની ચોથી યોદી જાહેર કરી હતી. જેમાં ચીન અરુણાચલ પ્રદેશને જંગનાન કહે છે અને દક્ષિણ તિબેટનો ભાગ હોવાનો દાવો કરે છે.આ ઉપરાંત અરુણાચલ પ્રદેશના 30 સ્થળોને નવા નામ આપ્યા હતા, જે પહેલી મેથી લાગુ થશે. ભારતે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલવાના નિર્ણયને મૂર્ખામીભર્યો ગણાવીને નકારી દોધી હતો અને કહ્યું હતું કે, ‘આમ કરવાથી એ હકીકત બદલાશે નહીં કે અરુણાચલ હંમેશા ભારતનું જ રહેશે’ અહેવાલો અનુસાર,
ચીન પહેલા પણ આવું કૃત્ય કરી ચૂક્યું
અગાઉ વર્ષ 2017માં પણ ચીને અરુણાચલ પ્રદેશમાં છ સ્થળો માટે પ્રમાણિત નામોની પ્રાથમિક યાદી જાહેર કરી હતી. ત્યારબાદ વર્ષ 2021માં 15 સ્થાનોના નામ ધરાવતી બીજી યાદી જાહેર કરી હતી. જો કે, ભારતે અરુણાચલ પ્રદેશના વિસ્તારો પર દાવો કરવાના ચીનના પ્રયાસને નકારી કાઢ્યો છે.