Lok Sabha Elections 2024: મધ્યપ્રદેશના બેતુલ લોકસભા બેઠકના બહુજન સમાજ પાર્ટી (BSP)ના ઉમેદવાર અશોક ભલાવીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. અહેવાલો અનુસાર, બપોરે તેમને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો થયો હતો. ત્યારબાદ પરિવારજનો અશોક ભલાવીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જેના કારણે આ બેઠક પરની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે.
ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે
અહેવાલો અનુસાર, કલેક્ટરે આ અંગેની માહિતી ચૂંટણી પંચને મોકલી છે. બસપાના ઉમેદવારના નિધન પછી બેતુલ બેઠક પર ચૂંટણી પ્રક્રિયા હવે નવેસરથી હાથ ધરવામાં આવશે. બસપા આ બેઠક માટે નવા ઉમેદવારનું નામ જાહેર કરે ત્યાર બાદ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચ અહીં નામાંકન અને મતદાન માટે નવી તારીખની જાહેરાત કરશે. આ બેઠક પર બીજા તબક્કામાં એટલે કે, 26મી એપ્રિલે મતદાન થવાનું હતું.
મધ્યપ્રદેશની 29 બેઠક માટે 4 તબક્કામાં મતદાન થશે
સોહાગપુર ગામના રહેવાસી બસપાના ઉમેદવાર અશોક ભલાવી શાકભાજીના વેપારી કરતા હતા. બુધવારે તેમના વતન ગામ સોહાગપુરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મધ્યપ્રદેશની 29 બેઠકો માટે 4 તબક્કામાં મતદાન થવાનું છે, જેમાં પ્રથમ તબક્કામાં 19મી એપ્રિલે સિધી, શહડોલ, જબલપુર, મંડલા, બાલાઘાટ અને છિંદવાડામાં મતદાન થશે. બીજા તબક્કામાં 26મી એપ્રિલે ટીકમગઢ, દમોહ, ખજુરાહો, સતના, રીવા, હોશંગાબાદ અને બેતુલમાં મતદાન થશે. ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મુરેના, ભિંડ, ગ્વાલિયર, ગુના, સાગર, વિદિશા, ભોપાલ અને રાજગઢમાં મતદાન થશે. જ્યારે ચોથા તબક્કામાં 13મી મેના રોજ દેવાસ, ઉજ્જૈન, મંદસૌર, રતલામ, ધાર, ઈન્દોર, ખરગોન અને ખંડવા બેઠક પર મતદાન થશે.