Cochin Shipyard For Us Navy Warships : દુનિયા પર રાજ કરવા માટે ઘણાં બધા દેશો સાથે બાખડી રહેલા ચીનને કાબુમાં કરવા માટે ભારત અને અમેરિકા એક સાથે છે. બંને દેશોના લશ્કરી સબંધો ઘનિષ્ઠ બની રહ્યા છે ત્યારે ભારતે ઐતિહાસિક નિર્ણય લઈને પોતાનું કોચીન શિપયાર્ડ અમેરિકન યુદ્ધ જહાજો માટે ખુલ્લું મૂકી દીધું છે. હવે અહીં અમેરિકન જહાજોનું સમારકામ થઈ શકશે.
ભારતનું કોચિન શિપયાર્ડ જ ભારતીય નૌસેનાના સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરનું નિર્માણ કર્યું છે. આ શિપયાર્ડની સુવિધાના કારણે હિન્દ મહાસાગરમાં ચીનના યુદ્ધ જહાજોને પડકાર ફેંકવા માટે અમેરિકન યુદ્ધ જહાજો માટે પેટ્રોલિંગ આસાન બની જશે. ઈન્ડો પેસિફિક જળ વિસ્તારમાં ચીન સતત તાઈવાન, જાપાન અને ફિલિપાઈન્સ જેવા દેશોને પોતાની નૌસેના થકી આંખો બતાવી રહ્યું છે. તેના જવાબમાં અમેરિકાએ પોતાના જહાજોને આ વિસ્તારમાં તહેનાત કર્યા છે. અમેરિકા માટે આ જહાજોનું સમયાંતરે સમારકામ અને દેખરેખનુ કામ મુશ્કેલ હતું પણ કોચિન શિપયાર્ડમાં પણ અમેરિકન જહાજો રોકાઈને જરુરી સમારકામ કરાવી શકશે. અમેરિકન નૌસેનાને તેના કારણે ઘણી રાહત મળશે.
આ પહેલા 2023માં ભારતીય કંપનીએ ચેન્નાઈ ખાતે પણ અમેરિકન જહાજોના સમારકામ માટે કરાર કર્યા હતા. અહીં રિપેરિંગ માટે અમેરિકન જહાજોની અવરજવર શરુ પણ થઈ ગઈ છે. હવે કોચિન શિપયાર્ડ પણ અમેરિકન જહાજો માટે ઉપલબ્ધ રહેશે, જેના કારણે અમેરિકન યુદ્ધ જહાજોને ભારતના પૂર્વ તેમજ પશ્ચિમ એમ બંને કિનારા પર સમારકામની સુવિધા મળશે. કોચિન શિપયાર્ડ સાથે કરાર કરતા પહેલા અમેરિકાએ આ શિપયાર્ડનો સર્વે પણ કર્યો હતો. આ જ શિપયાર્ડમાં ભારતના એરક્રાફટ કેરિયરનુ પણ સમારકામ થાય છે.
ભારત પાસે બીજા પણ શિપયાર્ડ છે, જ્યાં અમેરિકન જહાજોનુ સમારકામ શક્ય છે. જાણકારોનુ માનવુ છે કે, આંદામાન નિકોબાર ટાપુ પર પણ ભારત અમેરિકાને કેટલીક સુવિધાઓ પૂરી પાડે તેવી શક્યતા છે. કારણકે આ ટાપુઓ મલક્કા સ્ટ્રેટ પાસે આવેલા છે, જ્યાંથી દક્ષિણ ચીન સમુદ્રમાં જહાજો પ્રવેશ કરતા હોય છે. આ વિસ્તાર પણ ચીનની દાદાગીરીના કારણે તણાવપૂર્ણ બની ચૂક્યો છે.