image : Socialmedia
Japan Aircraft Carrier In Maritime Field : પાડોશી દેશો સાથે ચીને અપનાવેલા આક્રમક વલણના કારણે દક્ષિણ પૂર્વ એશિયામાં સૈન્ય સમીકરણો બદલાઈ રહ્યા છે. બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વખત જાપાન આગામી દિવસોમાં પોતાનું પહેલું એરક્રાફ્ટ કેરિયરનુ સંચાલન કરવા જઈ રહ્યુ છે.
આ માટે જાપાને પોતાના હેલિકોપ્ટર કેરિયરમાં સુધારા વધારા કરીને તેને એરક્રાફ્ટ કેરિયરમાં ફેરવી નાખ્યું છે. જેના કારણે હવે તેના ઉપર F 35 બી લડાકુ વિમાનો તેનાત કરી શકાશે. આમ જાપાન બીજા વિશ્વયુદ્ધ બાદ ફરી એક વખત એરક્રાફ્ટ કેરિયર ધરાવતું થઈ જશે.
જાપાનને ચીનના આક્રમક વલણના કારણે ચિંતા થઈ રહી છે. તાજેતરમાં ચીનના સરકારી મીડિયાએ કહ્યું હતું કે ચીન દ્વારા બહુ જલદી પોતાનું ચોથું એરક્રાફ્ટ કેરિયર દરિયામાં ઉતારવામાં આવશે. એ પછી જાપાને પણ પોતાની શક્તિ બતાવવા માટે એરક્રાફ્ટ કેરિયર ઓપરેટ કરવાની જાહેરાત કરી છે.
ચીનના હાલમાં બે એર ક્રાફ્ટ કેરિયર કાર્યરત છે. ત્રીજું એરક્રાફ્ટ કેરિયર આ વર્ષે દરિયામાં ટ્રાયલ માટે ઉતારવામાં તૈયારી ચીન કરી રહ્યું છે.
જાપાનના અખબારના અહેવાલ અનુસાર જાપાનની નેવીએ પોતાના એર ક્રાફટ કેરિયરને કાગા નામ આપ્યુ છે. તેને અપગ્રેડ કરવામાં બે વર્ષનો સમય લાગ્યો છે. સોમવારે તેનુ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જાપાન અત્યાર સુધી તેના પર હેલિકોપ્ટર તો તેનાત કરતું હતું. હવે તે અમેરિકા પાસેથી ખરીદેલા F 35 લડાકુ વિમાનો તૈનાત કરશે. આ માટે જહાજ પર જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે.
F35 બી પાંચમી પેઢીનુ ફાઈટર જેટ છે. જે રડારમાં પણ પકડાતું નથી. ઉપરાંત બહુ નાના રન વે પરથી પણ તે ટેક ઓફ કરી શકે છે. અત્યારે બ્રિટન તેમજ ઈટાલી અને ઇઝરાયેલ તેનો ઉપયોગ કરી રહ્યા છે. જાપાને પણ અમેરિકા પાસેથી આ વિમાનો ખરીદ્યા છે.