– 10મીની સાંજ પહેલાંના શો રદ
– ઇર્દની રજાના લાભ માટે એક દિવસ પાછો ઠેલાયાનો દાવો પણ નબળું બૂકિંગ કારણભૂત હોવાની ચર્ચા
મુંબઇ : અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં ‘અને અજય દેવગણની ‘મૈેદાન’ ફિલ્મની રીલિઝ એક દિવસ પાછી ઠેલાઈ છે. આ ફિલ્મો તા. ૧૦મીના બદલે હવે ૧૧મી એપ્રિલે રીલિઝ કરાશે.
૧૦મીએ વર્કિંગ ડે હોવાથી પહેલા દિવસની કલેક્શન બહુ નબળું રહે તેવી ગણતરીથી આ ફેરફાર કરાયાનો દાવો થઈ રહ્યો છે. જોકે, ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર વાસ્તવમાં બંને ફિલ્મોનું એડવાન્સ બૂકિંગ બહુ કંગાળ રહ્યું હોવાથી સ્ટ્રેટેજી બદલાઈ છે. મલ્ટી પ્લેક્સીસ સહિત અન્ય ડિસ્ટ્રિબ્યૂટર્સને ૧૦મીની સાંજના છ પહેલાંના શોના એડવાન્સ બૂકિંગ કેન્સલ કરી નાણાં પરત આપી દેવા જણાવાયું હોવાનું પણ કહેવાય છે. સોશિયલ મીડિયામાં સંખ્યાબંધ ચાહકોએ આ નિર્ણય અંગે નિરાશા વ્યક્ત કરી હતી. અનેક લોકોએ જણાવ્યું હતું કે તેમણે ૧૦મીએ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો બૂક કરાવ્યો હતો પરંતુ હવે આ શો બૂકિંગ સાઈટ્સ પર દેખાતો જ નથી. બોક્સ ઓફિસ પર અક્ષય કુમાર અને અજય દેવગણની ટક્કર થઈ રહી છે. જોકે, ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર અક્ષય કુમારની ‘બડે મિયાં છોટે મિયાં’ કરતાં અજય દેવગણની ‘મૈદાન’નું એડવાન્સ બૂકિંગ આશ્ચર્યજનક રીતે સારું રહ્યું છે.