પ્રવાસીઓ સિંહને નિહાળી રહ્યા હતા ત્યારે જ ઘેલછાભરી હરકત : વન વિભાગના સ્ટાફે અટકાવ્યા છતાં દાદાગીરી : ગુનો નોંધાયોઃ બંને યુવકોની શોધખોળ ચાલુઃ 

જૂનાગઢ, : સિંહોની પજવણીની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. એક આવા જ બનાવમાં સાસણ જંગલના સફારી રૂટ પર વિહરતા સિંહ પરિવાર પર બાઈક ચડાવી દેવાનો ગંભીર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આવી ઘટના બને ત્યારે સિંહ વિફરી જાય છે અને તેનો ભોગ માનવને બનવાનો વારો આવે છે. સદનસીબે સિંહ પરિવારે પ્રવાસીઓ કે માલધારી પર હુમલો ન કર્યો, આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ વન વિભાગ હરકતમાં આવી ગયું છે. સિંહ પર બાઈક ચડાવવાનો પ્રયાસ કરનાર માલધારી સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ગીરમાં વસતા માલધારી દ્વારા જ સિંહ પરિવાર પર બાઈક ચડાવી દેવાનો પ્રયાસ કરવાની ગંભીર ઘટનાથી વનતંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગઈકાલે રવિવારના સાસણ જંગલના સફારી રૂટ પર પ્રવાસીઓ નવી શરૂ થયેલી કારમાં સિંહ પરિવારને નિહાળી રહ્યા હતા. તેવામાં અચાનક જ બાઈક પર આવેલા બે યુવકોએ રસ્તા પર ગેલ કરતા સિંહ પરિવાર પર બાઈક ચડાવી દેવાનો પ્રયાસ કરતા સૌના હોંશકોશ ઉડી ગયા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતા ગંભીર પ્રત્યાઘાત પડયા છે. ઘેલછામાં સિંહ સાથે આવી ચેષ્ટા કરવામાં આવે ત્યારે સિંહ વિફરી જાય છે અને હુમલો કરી બેસે છે. પરંતુ આ ઘટનામાં રસ્તા પર વિહરતો સિંહ પરિવાર તેમના પર બાઈક ચડાવવાનો પ્રયાસ થતા કુદકા મારી રસ્તાથી દૂર ભાગી જતો જોવા મળે છે.

માલધારી યુવકો દ્વારા ગંભીર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. વન વિભાગના સ્ટાફે  આ બંને યુવકોને સિંહ પરિવાર રસ્તા પર હોવાથી થોડીવાર માટે બાઈક રોકવા કહ્યું હતું છતાં પણ યુવકોએ વન વિભાગની વાતને ગણકાર્યા વગર સિંહ પર બાઈક ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે વન વિભાગના જણાવ્યા પ્રમાણે રવિવારની ઘટના છે અને દુધાળા નેસ વિસ્તાર નજીક જ આ બનાવ બન્યો છે. હાલ સમગ્ર બનાવની તપાસ એસીએફને સોંપી દેવામાં આવી છે. આ ગંભીર ઘટનાને અંજામ આપનાર દુધાળા નેસના માલધારી યુવકો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ગીર પશ્ચિમ ડીસીએફ પ્રશાંત તોમર દ્વારા તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે. મેંદરડા(ડેડકડી) રેન્જમાં બંને માલધારી યુવક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

સફારી રૂટ પર જ વિહરતા સિંહો સાથે માલધારી દ્વારા આવું કૃત્ય કરવામાં આવે તે બાબત ખુબ જ ગંભીર માનવામાં આવી રહી છે. સામાન્ય રીતે માલધારીઓને સિંહના રક્ષક માનવામાં આવે છે. સિંહની પજવણીની ઘટના સફારી રૂટ પર જ બની અને તેમાં આરોપી તરીકે માલધારીની જ સંડોવણી હોવાથી ઘેરા પ્રત્યાઘાત પડયા છે. વન વિભાગનો સ્ટાફ માલધારી યુવકોને અટકાવે છતાં પણ દાદાગીરી કરી સિંહ પર બાઈક ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવતા વનતંત્ર પણ ઘટનાની ગંભીરતાને પામી ગયું છે. હવે માલધારી આરોપીની વનતંત્રએ શોધખોળ શરૂ કરી દીધી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *