પથ્થરની આડશ મૂકી દઈ જગ્યા વાળી લેવાનું શરૂ કર્યું  : આગામી સમયમાં દુકાન અથવા ધાબાનું સ્વરૂપ લઈ લે તેવી દહેશત સાથે ચાંપતા પગલાં જરૂરી બન્યા

 ઓખા, : ઓખાથી બેટ દ્વારકા વચ્ચેના સુદર્શન બ્રિજના ઓખા તરફના ખૂણા પર કેટલાક તત્ત્વોએ સરકારી મોકાની જમીન પર પથ્થરોની આડશ મૂકી જમીન વાળવાનું શરૂ કર્યું છે. આગામી દિવસોમાં તે સ્થળોએ ગેરકાયદે બાંધકામ ખડકાઈ જાય તે પહેલાં તંત્ર ચાંપતા પગલાં ભરે તે જરૂરી બન્યું છે. 

આ બાબતે એક જાગૃત નાગરિકે કલેકટર, એસપીને  ટ્વીટ કરી સંબંધિત અધિકારીઓને તેની જાણકારી આપી છે.ઓખાથી બેટ દ્વારકાને રસ્તા માર્ગે જોડતા સુદર્શન બ્રિજના નિર્માણ પછી રોજેરોજ હજારોની સંખ્યામાં યાત્રિકો બેટ દ્વારકા દર્શનાર્થે આવી રહ્યા છે .ત્યારે આગામી સમયમાં મોટી કમાણી કરી લેવાની નીતિ સાથે કેટલાક શખ્સોએ સુદર્શન બ્રિજ નજીક સરકારી મોકાની જમીન પર કબજો જમાવવાનું શરૂ કરી દીધુ છે.

 ઓખાથી સુદર્શન બ્રિજ પર પ્રવેશવાના રસ્તા પર 500 મીટર દૂર કેટલાક વ્યક્તિઓએ હાલમાં પોતાની રીતે પથ્થરની આડશ મૂકી દઈ જગ્યા વાળી લેવાનું શરૂ કર્યું છે. હાલમાં આ સ્થળે જગ્યા વાળવામાં આવી રહી છે તે આગામી સમયમાં દુકાન અથવા ધાબાનું સ્વરૂપ લઈ લેશે!

આ બાબત સરકારી તંત્રના ધ્યાનમાં આવી ન હોય તેમ માની શકાય તેવું નથી. તંત્રના કેટલાક મળતિયા પણ તેમાં સામેલ હોવાનું તપાસમાં બહાર આવી શકે તેમ છે. હાલમાં તંત્ર દ્વારા તમાશો જોયે રાખવામાં આવે છે. તેથી આવા દબાણો પર તંત્ર પણ મહેરબાન હોય તેમ કહી શકાય.

સરકારી જમીન પર થયેલા ઉપરોક્ત દબાણો અંગે ઓખાના એક જાગૃત નાગરિકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર તથા જિલ્લા પોલીસવડાને ટ્વીટ કરી સંબંધિત અધિકારીઓને તેની જાણકારી આપી છે ત્યારે તંત્ર હવે શું કરે છે?તે જોવાનું રહ્યું.

સુદર્શન બ્રિજ પાસે મોકાની જગ્યા પર  દિવસે પણ દબાણ યથાવત જોવા મળી રહ્યા છે તે બાબત શું સૂચવે છે?!આવી જ રીતે ગેરકાયદે દબાણો ખડકાતા જતા હોય છે અને તે પછી તેને હટાવવા તંત્રએ એડીચોટીનું જોર લગાવવું પડતું હોય છે, તો હાલના તબક્કે જ્યારે સુદર્શન બ્રિજ પાસે દબાણ માટે હિલચાલ થઈ રહી છે ત્યારે જ તેને ડામી દેવાની તાતી જરૂર છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *