Vadodara Fraud Case : વડોદરામાં છેતરપિંડીના કેસમાં ફરાર થઈ ગયેલો આરોપી સાધુ વેશે ભારત ભ્રમણ કરવા નીકળી ગયા બાદ 18 વર્ષ બાદ ચાણોદ ખાતે આવતા ઝડપાઈ ગયો હતો.

વડોદરાના ન્યુ સમારોડ વિસ્તારમાં કે.કે.મોટર્સ નામની એજન્સી શરૂ કરનાર ચંદ્રકાંત પટેલ તેમજ તેના સાગરીતે વર્ષ 2006માં એક યુવકને તાંજાનિયા મોકલવા માટે રૂ.2 લાખ પડાવી લીધા હતા.

આરોપીઓએ યુવકને મુંબઈ એરપોર્ટ પર બોલાવ્યા બાદ તેઓ અદ્રશ્ય થઈ ગયા હતા અને ત્યારબાદ મોબાઈલ પણ બંધ કરી દીધા હતા. જેથી યુવક વિદેશ જઈ શક્યો ન હતો અને તેણે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

દરમિયાનમાં ચંદ્રકાંત પરસોત્તમ પટેલ (પરમેશ્વર પાર્ક,નિઝામપુરા મૂળ ખંભોળજ, આણંદ) ચાણોદ ખાતે આવ્યો હોવાની ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળતા વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે, બનાવ બન્યો તે વખતે તેની માતાની મિલકત સંબંધીઓએ પડાવી લીધી હોવાથી તેણે સંસારનો ત્યાગ કરવાનું નક્કી કર્યું હતું અને ભારત ભ્રમણ માટે નીકળી પડ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી કલકતા ખાતે રૂમ ભાડે રાખી રહેતો હતો. ચાણોદ ખાતે એક આશ્રમમાં કામ માટે આવતા પોલીસે પકડી લીધો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *