Lok Sabha Electtions 2024: ચૂંટણીમાં વારંવારના પરાજ્ય મળવા છતાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીના સમયમાં પણ હજુ એકતા કે નિર્ણાયકતાનો અભાવ જોવા મળી રહ્યો છે. ભાજપે ઉમેદવારો ક્યારે ફોર્મ ભરશે તે આજે જાહેર કરી દીધું છે ત્યારે સમગ્ર રાજ્યની નજર જેના પર હોય છે તે રાજકોટ બેઠક માટે કોંગ્રેસ હજુ તેના ઉમેદવાર નક્કી કરી શકી નથી અને રૂપાલાનું શુ થાય છે તેનો ઈંતજારમાં સમય વેડફાઈ રહ્યો છે.
રાજકોટના ઉમેદવાર તરીકે રૂપાલા યથાવત્ જ રહેશે તેવું ભાજપે સ્પષ્ટ જાહેર કરી દીધું છે છતાં કોંગ્રેસના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર રૂપાલા જ યથાવત્ રહે તો ભાજપના અમરેલીના પાટીદાર ઉમેદવાર સામે કોંગ્રેસના પણ અમરેલીના જ અને પાટીદાર નેતા પરેશ ધાનાણીને ટિકીટ આપવી અને રૂપાલા બદલાય તો રાજકોટના ડો.હેમાંગ વસાવડાને ટિકીટ આપવી તેવો નિર્ણય લેવાયો છે.
પરંતુ, ભાજપના ઉમેદવારના પ્રચારનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે, થોકબંધ મીટીંગો, સભાઓ યોજાઈ ગઈ છે, બૂથ નેટવર્ક ગોઠવાઈ ગયું છે, ક્યા મુદ્દે પ્રચાર કરવો તે પણ નક્કી કરીને ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ હજુ ઉમેદવાર નક્કી કરી શકી નથી. એટલું જ નહીં, શહેર કોંગ્રેસના નેતાઓ વચ્ચે હજુ સંપ અને એકતા પણ જોવા મળતા નથી. વિપક્ષ તરીકે જાણે કે લોકો શાસકથી અતિશય કંટાળે ત્યારે વિજયશ્રીનું પતાસુ મોંમાં આવી જશે તેમ માનીને બેસવાના કોંગ્રેસના વલણથી સવાલો જાગ્યા છે. લોકોમાં ચર્ચા છે કે જો આ સમયે ભાજપ વિપક્ષમાં હોત તો વિવાદ,વિખવાદ,સમસ્યાઓના મુદ્દે ઠેરઠેર સભાઓ ગજવી નાંખી હોત.