– વાસ્તવમાં બંને યુદ્ધથી થાક્યા છે : માર્ગ શોધે છે : નિરીક્ષકો
– તેમની ઉપરના ‘હશ-મની’ કેસો રાજરમત છે : તેઓનાં સૂચનો શા હશે તે જાણતો નથી પરંતુ તેઓ યુદ્ધમાં શાંતિ કરાવી જ શકશે
આસ્તાના : રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં વિધાનો કે ‘હું યુક્રેન યુદ્ધ બંધ કરાવી શકીશ’ તેને તેઓ ગંભીર રીતે લઈ રહ્યાં છે.
અહીં યોજાયેલી પ્રાદેશિક સલામતી પરિષદને સંબોધન કરતાં વ્લાદીમીર પુતિને કહ્યું હતું કે, ‘ટ્રમ્પે તેમ કહ્યું છે કે જો તેઓ ૫મી નવેમ્બરે (અમેરિકામાં) યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં વિજયી થશે તો, તેઓ તુર્તજ યુક્રેન યુદ્ધમાં ઉકેલ શોધી આપશે.’ તેઓ હકીકતમાં યુક્રેન-યુદ્ધ અટકાવવા માંગે છે. અમે તેઓના તે વિચાર (યુક્રેન-યુદ્ધ બંધ કરાવવાનો)ને ગંભીર રીતે લઈ રહ્યા છીએ.
એપ્રિલ મહિનામાં ‘વોશિંગ્ટન પોસ્ટે’ જણાવ્યું હતું કે, ટ્રમ્પે ખાનગીમાં એક શાંતિ યોજના ઘડી કાઢી છે જે પ્રમાણે તેઓ ૨૦૧૪માં પુતિનને ક્રીમીયા ઉપરનો કબ્જો યથાવત્ રહેવા દઈ તેમજ તે પછી (યુદ્ધ દરમિયાન) રશિયન દળોએ ડોન-બાસ પર લગાવેલો કબ્જો પણ યથાવત્ રહેવા દઈ યુક્રેનને શાંતિ મંત્રણામાં જોડાવા અનુરોધ કરવાના છે.
રોઈટર્સ વધુમાં જણાવે છે કે ટ્રમ્પના બે મહત્વનાં સલાહકારોએ કહ્યું હતું કે યુક્રેનને આ યોજના સ્વીકારવા માટે દબાણ કરવું જોઈએ અને કહેવું જોઈએ કે, ‘જો તમે આ યોજના નહીં સ્વીકારો તો અમેરિકા લશ્કરી સહાય બંધ કરી દેશે.’
ઉલ્લેખનીય છે કે, આ સંબોધનમાં પ્રમુખ પુતિને ટ્રમ્પ ઉપર કરાયેલા ‘હશ-મની’ કેસોને રાળી-ટાળી નાખતાં કહ્યું હતું કે, ‘એ તો રાજકીય ખેંચતાણ છે તેથી વધુ કશું નથી.’ આ સાથે પુતિને તે વિચાર પણ ‘સળગાવી’ દીધો હતો કે ટ્રમ્પ તેમાં તકસીરવાન ઠરે તો અમેરિકાની લોકશાહી ઉપર અસર થશે. સાથે કહ્યું હતું કે, ‘દુનિયા આખી જાણે છે કે, ટ્રમ્પ ઉપર થઈ રહેલી કાનૂની કાર્યવાહી દ્વારા આંતરિક રાજકારણમાં ન્યાયિક પદ્ધતિને પણ જોડવામાં આવી રહી છે. તેમની (અમેરિકાની) આવી નેતાગીરી લોકશાહીને ભસ્મ કરી ભૂમિગત કરી દેશે.’
ઉલ્લેખનીય છે કે છેલ્લી પ્રી-પોલ-સર્વે પ્રમાણે ટ્રમ્પ-બાયડેનની સ્પર્ધામાં ઘણા આગળ છે.
બીજી તરફ નિરીક્ષકો માને છે કે, વાસ્તવમાં બંને (રશિયા અને યુક્રેન) યુદ્ધથી થાક્યા છે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ જ શોધે છે. તેથી ટ્રમ્પની દરખાસ્ત બંનેએ સ્વીકારી લેવી જોઈએ તે જ શ્રેષ્ઠ માર્ગ છે.