ઈઝરાયેલ-ગાઝા યુદ્ધને છ મહિના પૂરા

હમાસ અપહરણ કરાયેલા નાગરિકોને પાછા નહીં સોંપે ત્યાં સુધી ગાઝા પર હુમલા અટકશે નહીં ઃ નેતન્યાહુ

યરુશલેમ: બરાબર છ મહિના પહેલા ૭ ઑક્ટોબર ૨૦૨૩ના રોજ હમાસના આતંકી હુમલામાં ઈઝરાયેલના ૧,૧૭૦ નાગરિકોના મોત પછી શરૂ થયેલું ઈઝરાયેલ-ગાઝા યુદ્ધ ૭મા મહિનામાં પ્રવેશી ગયું છે. આવા સમયે ઈઝરાયેલમાં હમાસ સામે યુદ્ધ શરૂ કરનારા પીએમ બેન્જામિન નેતન્યાહુના વિરોધમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આમ છતાં નેતન્યાહુ ગાઝામાં યુદ્ધ ચાલુ રાખવા માટે અડગ છે. તેમણે દાવો કર્યો છે કે ગાઝા યુદ્ધમાં વિજય મેળવવાથી ઈઝરાયેલ હવે એક પગલું જ દૂર છે.

ઈઝરાયેલમાં ગાઝા યુદ્ધને અડધું વર્ષ થઈ ગયું છે ત્યારે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના વિરોધમાં શનિવારે હજારો નાગરિકો તેલ અવિવમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. નેતન્યાહુના વિરોધમાં દેખાવો યોજનારા આયોજકોએ દાવો કર્યો હતો કે, ડેમોક્રસી સ્ક્વેર પર અંદાજે ૧,૦૦,૦૦૦ લોકો એકત્ર થયા હતા અને તેમણે ગાઝા યુદ્ધ તેમજ વડાપ્રધાન બેન્જામિ નેતન્યાહુનો વિરોધ કર્યો હતો. 

‘ચૂંટણી યોજો’ના સૂત્રોચ્ચાર સાથે દેખાવકારોએ વડાપ્રધાન નેતન્યાહુના રાજીનામાની માગણી કરી હતી. તેલ અવિવ સિવાય અન્ય શહેરોમાં પણ રેલીઓ યોજાઈ હતી. વધુમાં વોશિંગ્ટન રવાના થતા પહેલાં વિપક્ષ નેતા યાઈર લેપિડે પણ આ દેખાવોમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે, તેઓ કશું જ શીખ્યા નથી, તેઓ બદલાયા નથી. આપણે તેમને ઘરે નહીં મોકલીએ ત્યાં સુધી તેઓ આ દેશને આગળ વધવાની તક નહીં આપે. પાછળથી દેખાવકારો તેલ અવિવમાં હમાસ દ્વારા અપહરણ કરાયેલા ઈઝરાયેલીઓના પરિવારજનોના સમર્થનમાં જોડાયા હતા.

લાખો લોકોના વિરોધ છતાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે કહ્યું કે, ગાઝા યુદ્ધમાં તેમનો દેશ વિજયથી એક પગલું જ દૂર છે. ઈઝરાયેલની સંયુક્ત સરકારની કેબિનેટ બેઠકમાં નેતન્યાહુએ કહ્યું હતું કે, આતંકી સંગઠન હમાસ અપહરણ કરેલા ઈઝરાયેલના નાગરિકોને પાછા નહીં સોંપે ત્યાં સુધી ગાઝા યુદ્ધ અટકશે નહીં.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *