NEET Exam Protest in Vadoara : નીટ પરીક્ષાના પેપર લીક બાદ આજે યુથ કોંગ્રેસે વડોદરામાં પરીક્ષા ફરી લેવાની માંગ સાથે સયાજીગંજ વિસ્તારમાં ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા.
યુથ કોંગ્રેસના કાર્યકરો સયાજીગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ભાજપ સરકાર વિરોધી નારા લગાવ્યા હતા. કાર્યકરોએ નકલી ચલણી નોટો ઉડાડીને રસ્તા રોકો આંદોલન શરુ કરતા આ વિસ્તારમાં ટ્રાફિક જામ થયો હતો અને હજારો લોકો અટવાયા હતા. એ પછી પોલીસે સ્થળ પર પહોંચીને યુવક કોંગ્રેસના 12 કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસ અને કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસે કેટલાકને તો ટીંગાટોળી કરીને હટાવવા પડ્યા હતા.
યુવક કોંગ્રેસના કાર્યકરોએ કહ્યું હતું કે, નીટ પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓના કેરિયર સાથે ચેડા કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ મહેનત કરીને પરીક્ષા આપતા હોય છે ત્યારે કૌભાંડીઓ પેપર લીક કરતા હોય છે. ભાજપ સરકારના શાસનકાળમાં પેપર લીક આમ વાત બની ગઈ છે. આ પહેલા ગુજરાતમાં વિદ્યુત સહાયક અને પોલીસ ભરતીની પરીક્ષાના પેપર પણ લીક થયેલા છે.
યુવક કોંગ્રેસે માંગ કરી હતી કે, નીટ પરીક્ષા ફરી લેવામાં આવે અને પેપર લીક કરનારા કૌભાંડીઓ સામે આકરા પગલા લેવામાં આવે. આ કૌભાંડીઓના તાર પણ ભાજપના નેતાઓ સાથે જોડાયેલા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી પરીક્ષા લેવામાં નિષ્ફળ ગઈ છે. ભાજપ સરકાર પેપર લીક માટે જવાબદાર છે. દેશના શિક્ષણ મંત્રી રાજીનામુ આપે તેવી અમારી માંગ છે.