Image :  file pic

Ahmedabad Rain: અમદાવાદવાસીઓ છેલ્લા ઘણા દિવસોથી ભારે ગરમી અને બફારાથી ત્રાહીમામ પોકારી ગયા હતા. ત્યારે સોમવારે (24 જૂન) મોડી રાત્રે અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરીજનોને રાહત મળી હતી. જો કે શહેરના પ્રથમ વરસાદમાં જ અનેક રસ્તાઓ પર ભૂવા પડી ગયા હતા. તો ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. કેટલાક રસ્તાઓ જાણે તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

શહેરના પ્રથમ વરસાદે જ પ્રિ-મોનસૂનની પોલ ખોલી દીધી

અમદાવાદમાં પ્રથમ વરસાદે જ તંત્રની પ્રિ-મોનસૂનની પોલ ખોલી દીધી હતી. શહેરના અનેક રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાયા ગયા હતા. અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોને વરસાદી પાણી ભરાવાના કારણે હાલાકી ભોગવી પડી હતી. શહેરના સરસપુર, શહેરકોટડા, નરોડા પાટીયા, માણેકબાગ સહિતના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. નરોડા પાટીયાની વાત કરવામાં આવે તો રસ્તાઓ જાણે નદીમાં ફેરવાય ગયા હતા.

સરસપુર ફોટલિયા ચાર રસ્તા પાસે ખોદેલો રસ્તો બેસી ગયો

આ તરફ સરસપુર ફોટલિયા ચાર રસ્તા પાસે ખોદેલો રોડ પર કાચું પુરાણ કરતા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી હતી. કાચા પુરાણને પગલે રસ્તો બેસી ગયો હતો. જેથી તંત્રએ તાત્કાલિક ધોરણે ફરીથી રસ્તાનું સમારકામ શરુ કરવું પડ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા પહેલી જૂન બાદ ખોદકામ ન કરવા અને પાકા પુરાણના આદેશના દાવા પણ પોકળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે. નોંધનીય છે કે અમદાવાદમાં સોમવારે મોડી રાત્રે એક થી દોઢ ઈંચ વરસાદમાં જ અનેક વિસ્તારો જળમગ્ન બન્યા હતા.

શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો

શહેરમાં મોડી રાત્રે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ગોતા, રાણીપ, વૈષ્ણદેવી, એસજી હાઈવે વેગેરે  વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ, કુબેરનગર, નરોડા, સરખેજ, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને રાહત મળી હતી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *