NEET પરીક્ષામાં પેપર લીક થવાના મુદ્દે દેશભરમાં હોબાળો મચી ગયો છે. એક તરફ બિહારમાં આ કેસની તપાસ ચાલી રહી છે તો બીજી તરફ ગુજરાત સરકારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. CBIની ટીમ સોમવારે ગુજરાતના ગોધરા પહોંચી હતી અને કેસની તપાસ શરૂ કરી હતી. સોમવારે સીબીઆઈના 5 અધિકારીઓ ગોધરા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી પણ અહી હાજર રહ્યા હતા.
દિલ્હીથી ગોધરા પહોંચેલી CBIની ટીમે સર્કિટ હાઉસ ખાતે ગોધરા એસપી અને તપાસ અધિકારી ડેપ્યુટી એસપી પાસેથી કેસના અનેક પાસાઓની માહિતી મેળવી હતી. તેમાં ઉમેદવારો વિશેની માહિતી અને NTA દ્વારા આપવામાં આવેલી OMR શીટ્સનો પણ સમાવેશ થાય છે. સીબીઆઈ આ કેસમાં જપ્ત કરાયેલા દસ્તાવેજો, રોકડ, કાર અને અન્ય દસ્તાવેજોની પણ તપાસ કરશે. આ ઉપરાંત પૂછપરછ માટે પકડાયેલા પાંચ આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડની પણ તૈયારી ચાલી રહી છે.