પાવાગઢમાં ભારે વરસાદ બાદ લેન્ડ સ્લાઈડિંગ
મસ મોટા પથ્થર ડુંગર પરથી ધસી આવ્યા
પાણીના પ્રવાહ સાથે પથ્થર ઘસી આવ્યા
હવામાન વિભાદની આગાહીને પગલે સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. ઉત્તર-દક્ષિણ-મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તેવામાં અનેક શહેરોમાં ભૂવા પડવા, રસ્તા ધોવાયા અને પૂલ ધરાશાયી થયાના બનાવો વધ્યા છે. તેવામાં પાવાગઢમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. પાવાગઢના નિજ મંદિર પગપાળા જવાના રસ્તે પાણીના પ્રવાહ સાથે મસ મોટા પથ્થર ડુંગર પરથી ધસી આવ્યા છે. પગથિયાં પર બનાવેલ રેલિંગને ભારે નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી છે. જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. તો સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ સારો એવો વરસાદ થયો છે. ત્યારે પાવગઢ નિજ મંદિર પગપાળા જવાના રસ્તે પાટીયા પુલ પાસે પાણીના પ્રવાહ સાથે એક મોટા પથ્થર સાથે નાના પથ્થરો ડુંગર પરથી ધસી પડ્યા હતા. જેના કારણે સ્થાનિકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં ટ્રસ્ટના હોદ્દેદારો, અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓ દોડી આવ્યા હતા.
મહત્વનું છે કે આજે રવિવારની રજા હોવાથી મોટી વરસાદમાં ખીલી ઉઠેલી પ્રકૃતિનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ પાવાગઢ પહોંચ્યા છે. ત્યારે આજે યાત્રાળુઓ આ લેન્ડ સ્લાઈડિંગવાળી જગ્યાએથી પસાર થવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
રેલિંગને ભારે નુકસાન થયું
ડુંગર પરથી પથ્થરો તૂટી પડતા પગથિયા પર બનાવેલી રેલિંગને ભારે નુકસાન થયું છે. ભેખડ ઉપરથી ધસી આવેલા પથ્થરોએ આજુબાજુની દુકાનોને પણ નુકસાન પહોંચાડ્યું છે. જોકે, આ સમયગાળા દરમિયાન પગથિયા ખાતે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.