Image:IANS
Mayank Yadav : IPL 2024માં ગઈકાલે લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં LSGએ ગુજરાતને 33 રને હરાવી ત્રીજી જીત નોંધાવી હતી. પરંતુ LSG માટે સતત 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરનાર સ્ટાર ફાસ્ટ બોલર મયંક યાદવને લઈને ખરાબ સમાચાર આવી રહ્યા છે. લખનઉ સુપર જાયન્ટ્સનો આ યુવા ફાસ્ટ બોલર ઇજાગ્રસ્ત થયો છે. તે ગઈકાલે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં માત્ર એક ઓવર નાખ્યા બાદ મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. મળેલા અહેવાલ મુજબ મયંક સાઇડ સ્ટ્રેન ઇન્જરીથી પીડિત છે. તેની બોલિંગ સ્પીડ 157 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટીને સીધી 137 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ હતી. તેણે માત્ર એક ઓવર ફેંકી હતી જેમાં તેણે 3 ચોગ્ગા સહિત 13 રન આપ્યા હતા.
150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી સૌને પ્રભાવિત કર્યા
મયંક યાદવ મેચની બીજી ઇનિંગની ચોથી ઓવર ફેંકવા આવ્યો હતો, પરંતુ ટીમ ફિઝિયો સાથે મેદાન છોડતા પહેલા તે પોતાની ઓવરમાં માત્ર બે વખત 140 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરી શક્યો હતો. આ ઈજાને કારણે તે દિલ્હી માટે રણજી ટ્રોફીની સિઝન દરમિયાન પણ બેંચ પર બેઠો રહ્યો હતો. મયંક તેના સમગ્ર કરિયર દરમિયાન પગની ઘૂંટી અને હેમસ્ટ્રિંગની ઇજાઓ સામે ઝઝૂમી રહ્યો હતો. તેણે પંજાબ કિંગ્સ સામે આ સિઝનમાં તેની IPLની શરૂઆત કરી અને તરત જ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરીને સૌને પ્રભાવિત કર્યા છે.
મયંક માટે વેસ્ટ ઇન્ડિઝના મહાન બોલરે કરી અપીલ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની તેની બીજી IPL મેચમાં મયંકે 14 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી, જેમાં તેણે IPL 2024નો ફાસ્ટેસ્ટ બોલ 156.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો. તેણે અત્યાર સુધી 2 મેચમાં 6 વિકેટ ઝડપી છે. વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર ઇયાન બિશપના મતે મયંકની સારી સારવાર થવી જોઈએ. આ તેના કરિયરનો પ્રારંભિક તબક્કો છે તેથી તેને સુરક્ષિત રાખવો જોઈએ. જો તે આટલી ઝડપી ગતિએ બોલિંગ કરે છે, તો તેનું શરીર મજબૂત હોવું જોઈએ. બિશપે કોમેન્ટ્રીમાં જણાવ્યું હતું કે, “તેની ફ્રેન્ચાઇઝી અને દેશના બોર્ડે આની નોંધ લેવાની જરૂર છે. ઓસ્ટ્રેલિયાએ પેટ કમિન્સને તેના શરૂઆતના વર્ષોમાં સુરક્ષિત રાખ્યો હતો, જ્યારે તેને પીઠના નીચેના ભાગમાં તણાવને કારણે ઈજાગ્રસ્ત થયો હતો.”