Image Source: Twitter
IPL 2024 Mayank Yadav: IPL 2024 ની 21મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમ વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો. આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઈટન્સ સામે 33 રને જીત મેળવી હતી. પરંતુ આ મેચ દરમિયાન લખનઉની ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. સિઝનના સૌથી ફાસ્ટ બોલરે અચાનક મેદાન છોડવું પડ્યું હતું. બીજી તરફ આ બોલરની બોલિંગમાં રફ્તાર પણ જોવા નહોતી મળી.
IPL 2024નો સૌથી ફાસ્ટ બોલર ઈજાગ્રસ્ત
લખનઉ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર મયંક યાદવને રવિવારે ગુજરાત ટાઈટન્સ સામે રમાયેલી મેચમાં ઈજા પહોંચી હતી. આ મેચમાં તે માત્ર 1 જ ઓવર ફેંકી શક્યો હતો અને ત્યારબાદ તેણે મેદાન છોડી દીધુ હતું. મયંક યાદવ પાછો બોલિંગ કરવા માટે પણ પરત નહોતો ફર્યો જેના કારણે ફેન્સનું ટેન્શન વધી ગયું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મયંક યાદવ સાઈડ સ્ટ્રેન ઈન્જરીથી પીડાઈ રહ્યો છે જે લખનઉ સુપરજાયન્ટ્સ માટે મોટો ઝટકો છે.
મયંકની રફ્તાર અચાનક ગાયબ થઈ
મયંક યાદવે RCB સામે રમાયેલી મેચમાં 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. જે આ સિઝનનો સૌથી ફાસ્ટ બોલ છે. પરંતુ ગુજરાત ટાઈટન્સ સામે રમાયેલી મેચમાં તેની સ્પીડ ઘણી ઓછી જોવા મળી હતી. આ મેચમાં તે ઈનિંગ્સની ચોથી ઓવર ફેંકવા આવ્યો હતો. આ દરમિયાન તેણે માત્ર બે બોલ 140 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે ફેંક્યા હતા. આ ઓવરમાં તેની સ્પીડ ઘટીને 137 કિમી પ્રતિ કલાક થઈ ગઈ હતી. જેણે સૌને ચોંકાવી દીધા હતા. બીજી તરફ તેણે આ ઓવરમાં 13 રન આપ્યા હતા.
મયંક યાદવ અગાઉ પણ ઈજાગ્રસ્ત થઈ ચૂક્યો છે
લખનઉ સુપર જાયન્ટ્સે મયંક યાદવને IPL 2022ના ઓક્શન દરમિયાન પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. મયંક યાદવ ઓક્શનમાં રૂ. 20 લાખની બેઝ પ્રાઈઝ સાથે ઉતર્યો હતો અને લખનઉ સુપર જાયન્ટ્સે તેને બેઝ પ્રાઈઝ પર જ ખરીદી લીધો હતો. ત્યારબાદ તે ઈજાના કારણે IPL 2023માંથી બહાર થઈ ગયો હતો.