Image Source: Twitter

IPL 2024, Yash Thakur: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 21મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) એ ગુજરાત ટાઈટન્સ (GT) ને 33 રને હરાવી હતી. રવિવારે લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં યજમાન ટીમે 164 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સની ટીમ માત્ર 130 રન પર ખખડી ગઈ હતી.

યશ ઠાકુરે શાનદાર બોલિંગ કરીને 30 રનમાં 5 વિકેટ ઝડપી

લખનઉ સુપર જાયન્ટ્સની જીતનો હીરો ફાસ્ટ બોલર યશ ઠાકુર રહ્યો હતો. યશ ઠાકુરે શાનદાર બોલિંગ કરીને 30 રનમાં 5 વિકેટ ઝડપી હતી. IPL 2024માં પ્રથમ વખત કોઈ બોલરે પાંચ વિકેટ લીધી હતી. યશે પોતાની પહેલી જ ઓવરમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ જ્યારે યશને ફરીથી બોલિંગ આપી ત્યારે તેણે ડબલ વિકેટ મેડન ઓવર ફેંકી હતી. જોકે યશને તેની ત્રીજી ઓવરમાં કોઈ સફળતા નહોતી મળી. પરંતુ છેલ્લી ઓવરમાં તેણે બે વિકેટ લઈને ટીમને જીત અપાવી હતી.

યશ ઠાકુરે શુભમન ગિલ ઉપરાંત વિજય શંકર, રાશિદ ખાન, રાહુલ તેવટિયા અને નૂર અહેમદની વિકેટ લીધી હતી. યશ ઠાકુરનું આ પ્રદર્શન ઘણું મહત્ત્વનું છે. આ મેચ દરમિયાન લખનઉનો ફાસ્ટ બોલર મયંક યાદવ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આવી સ્થિતિમાં વિકેટ લેવાની જવાબદારી તેના પર જ આવી ગઈ હતી. યશે પોતાની ટીમનો ભરોસો બનાવી રાખ્યો અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. મયંક અને મોહસીન ખાન જેવા ફાસ્ટ બોલરોની ઈજાને કારણે લખનઉની ટીમ આગામી મેચોમાં પણ યશ ઠાકુર પાસેથી ધમાકેદાર પ્રદર્શનનની આસા કરી રહી હશે. 

ધોની-ઉમેશને પોતાના આદર્શ માને છે યશ ઠાકુર

યશ ઠાકુરનો જન્મ 28 ડિસેમ્બર 1998ના રોજ કોલકાતામાં થયો હતો. જોકે તે વિદર્ભ માટે ઘરેલુ ક્રિકેટ રમે છે. રસપ્રદ વાત એ છે કે યશ તેની ક્રિકેટ કારકિર્દીની શરૂઆતમાં વિકેટકીપર બનવા માંગતો હતો. વિકેટની પાછળ યશનો રોલ મોડલ ભારતીય દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોની રહ્યો છે. એક વખત વિદર્ભના પૂર્વ કેપ્ટન અને કોચ પ્રવીણ હિંગણીકરે યશ ઠાકુરને નેટ્સમાં બોલિંગ કરતા જોયો અને પછી તેને ફાસ્ટ બોલર બનવાની સલાહ આપી હતી.

હિંગણીકર માટે આ યુવા ખેલાડીને ફાસ્ટ બોલિંગમાં કારકિર્દી બનાવવા માટે રાજી કરવું એક મુશ્કેલ કામ હતું. પરંતુ તે આમ કરવામાં સફળ રહ્યો હતો. 25 વર્ષીય યશ ઠાકુરે વિદર્ભ માટે અત્યાર સુધીમાં 22 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે 67 વિકેટ ઝડપી છે. બીજી તરફ યશના નામે 37 લિસ્ટ-એ મેચોમાં 54 વિકેટ છે. યશ પાસે 49 T20 મેચ રમવાનો અનુભવ પણ છે, જેમાં તેણે 74 વિકેટ ઝડપી છે. યશ ઠાકુર ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવને પોતાનો આદર્શ માને છે. ઉમેશ પણ ઘરેલુ ક્રિકેટમાં પણ વિદર્ભનું પ્રતિનિધિત્વ કરે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *