અમદાવાદ, રવિવાર
નિકોલમાં ઔદ્યોગિક એસ્ટેટમાં વેપારીની ફેકટરીના શેડ નીચે એક શખ્સ અને યુવતી બિભત્સ ચેનચાળા કરતો હતો જેથી વેપારીએ બંને જતા રહેવાનું કહ્યું હતું, જ્યાં થોડીવાર બાદ શખ્સ તેના ત્રણ મિત્રો સાથે પરત આવ્યો હતો અને વેપારીને તું અહિયાનો દાદા છે કહીને તકરાર કરીને લાકડીથી ઢોર માર માર્યો હતો. આ બનાવ અંગે વેપારીની ફરિયાદ આધારે નિકોલ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વેપારીના કહેવાથી ગયા બાદ થોડીવારમાં આવીને ચાર શખ્સોએ વેપારી ઉપર જીવલેણ હુમલો કરતાં સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવી
નિકોલમાં રહેતા આધેડે નિકોલ પોલીસ સ્ટેશનમાં ઉમંગ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોધાવી છે કે તા.૨૫ના રોજ ઘૂળેટીનો તહેવાર હોવાથી રજા હતી પણ તેમના એસ્ટેટમાં કારખાને ગયા હતા. તે સમયે તેમના શેડની નીચે એક અજાણ્યો શખ્સ મહિલા સાથે ઉભેલો હતો અને બિભત્સ ચેનચાળા કરતા હોવાથી વેપારીએ તેમને અહિયા આવું નહી કરવાનુ કહીને જતા રહેવાનું કહેતા બંને ત્યાંથી જતા રહ્યા હતા.
બીજીતરફ થોડીવાર બાદ ફરીથી શખ્સ તેના ત્રણ મિત્રો સાથે આવીને તું અહિયાનો દાદા છે તારા બાપનું એસ્ટેટ છે તું હમણાં કેમ બોલતો હતો કહીને વેપારીને ગાળો બોલીને શખ્સોએ લાકડીથી શરીરના ભાગે ઢોર માર માર્યો હતો. બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા ચારેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. બાદમાં તપાસ કરતા આરોપીનું નામ ઉમંગ હોવાની ખબર પડી હતી ત્યારબાદ ઇજાગ્રસ્ત વેપારીએ સારવાર લીઘા બાદ ફરિયાદ કરતા નિકોલ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.