અમદાવાદ,રવિવાર
દાણીલીમડામાં દુકાનની માલીકી બાબતે બે જૂથો વચ્ચે તલવાર, ધોકા, પાઇપ જેવા હથિયારોથી જૂથ અથડામણ થતાં એકબીજા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે બેરલ માર્કેટ પાસે મિશન હેલ્થ જીમની દુકાનનો કબજા બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેમ છતાંય દુકાનનો કબ્જો લેવા માટે થઈને બંને પક્ષોએ સામસામે એકબીજા પર પથ્થરમારો કરીને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતા દાણીલીમડા પોલીસ કાફલો પહોચ્યો હતો. આ ઘટના અંગે દાણીલીમડા પોલીસે બંને પક્ષે કુલ ૨૫ લોકો સામે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે બન્ને પક્ષે ૨૫ લોકો સામે રાયોટિંગ સહિતની કમલ હેઠળ સામ સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ રહી છે
દાણીલીમડામાં રહેતા યુવકે ફરિયાદ નોંધાવી છે કે દાણીલીમડા હાઈવે પાસે ૨૦૦ વારની દુકાન તેમના પિતાજીએ ખરીદી હતી અને તેમાં જીમ ચલાવે છે તા. ૩૦ માર્ચે સવારે તેમના મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો કે તેમની દુકાનનું કેટલાક લોકો તાળું તોડીને દુકાનમાં ઘૂસી રહ્યા છે. જેથી ફરિયાદી અને તેમના નાનો ભાઈ અને બીજા સબંધીઓ દુકાને પહોચ્યા હતા. જ્યાં ઈમરાન સહિત બીજા ૧૦થી ૧૫ અજાણ્યા શખ્સોએ હાથમાં તલવાર, ધોકા પાઇપ સાથે આવીને પાછળ પડીને ફરિયાદી તથા તેના ભાઈ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારે આ સમયે પોલીસ કંટ્રોલ રૃમને જાણ કરતા દાણીલીમડા પોલીસ તાત્કાલીકઘટના સ્થળે પહોચીને મામલો થાળે પાડયો હતો.
બીજીતરફ બોમ્બે હોટલ દાણીલીમડા પાસે રહેતા યુવકે દાણીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને આક્ષેપ કર્યો છે કે મિશન હેલ્થ નામની દુકાન તેમણે ગત ૨૮ માર્ચે રૃપિયા ૨૫ હજારના ભાડેથી લીધેલી છે. તા. ૩૦ માર્ચે ફરિયાદી દુકાને હાજર હતા તે સમયે સાત લોકો આવીને અને અમને દુકાનમાં બેઠેલા જોઇને અચાનક જ તેેમના ઉપર પથ્થરો મારવાનું શરૃ કરી દીધું હતું. આ દરમ્યાન પોલીસ આવી જતા તમામ લોકો નાસી છુટયા હતા. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે બંને પક્ષો સામે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નાંેધીને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.