અમદાવાદ,રવિવાર
લોકસભાની ચૂંટણીને લઇ પોલીસ દ્વારા સમગ્ર અમદાવાદમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેવામાં નરોડા વિસ્તારમાં ચિલોડા બ્રિજ સર્કલ પાસે પોલીસે ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી હતી અને ઉત્તર પ્રદેશથી દેશી કટ્ટા, કારતૂસ લઇ આવેલા શખ્સને નરોડા પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં તે આ ઘાતક હથિયાર, તથા કારતૂસ અમદાવાદના દાણીલીમડાના રીઢા ગુનેગારને આપવા આવ્યો હતો. પોલીસે દાણીલીમડાના આરોપીની કર્મકુંડળી મેળવીને તેની શોધખોળ હાથ ધરી છે.
ફરાર આરોપી સામે ખૂનની કોશિષ સહિત અનેક ગુના નોંધાયેલા છે આરોપીની ધરપકડ બાદ હથિયારનો ઉપયોગ ક્યાં કરવાનો હતો તે મુદ્દે તપાસ કરાશે
નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.વી.પટેલના જણાવ્યા મુજબ નરોડા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે એક પર પ્રાંતીય શખ્સ હથિયારો સાથે નાના ચિલોડા વિસ્તારમાં આવવાનો છે. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારબાદ યુવક એક બેગ લઇ ત્યાંથી પાસર થતો હતો. જેથી પોલીસે તેને કોર્ડન કરી રોકી લીધો હતો અને તની પૂછપરછ કરતા આરોપી ગુફરાન અહમદ અબ્દુલરજાક મન્સુરી (ઉવ.૪૦) ઉત્તર પ્રદેશનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની બેગ ચેક કરતા તેમાંથી દેશી બનાવટના બે કટ્ટા અને ૧૦ જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
પોલીસે તેની પાસે પાસ પરમિટ માગતા મળી આવી ન હતી. આરોપીએ દાણીલીમડાના ઇમરાનને હથિયાર આપવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગુફરાનની ધરપકડ કરીને કેટલા સમયથી આ રીતે હથિયાર લાવતો હતો, કોને કોને આપતો હતો, તે કોઇ ગેંગનો સાગરીત છે કે નહીં સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.