અમદાવાદ,ગુરૂવાર
શહેરના બોપલ વીઆઇપી રોડ પર આવેલા બિગ ડેડી કેફેમાં પીસીબીએ દરોડો
પાડીને કેફેની આડમાં ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કા બારનો પર્દાફાશ કર્યો
છે. જેમાં નિકોટીન યુક્ત વિવિધ ફ્લેવર્સ તેમજ હુક્કા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પોલીસે કેફેના સંચાલક સામે
કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં હુક્કાબારમાં આવતા અનેક લોકો અંગે
માહિતી મળી છે.અમદાવાદના પોલીસ કમિશનરના સીધા તાબામાં આવતા પીસીબીના પીઆઇ એમ
સી ચૌધરી અને તેમના સ્ટાફને બુધવારે સાંજે
ચોક્કસ બાતમી મળી હતી કે બોપલ વીઆઇપી રોડ પર વિંસે કાફે નજીક આવેલા બીગ ડેડી કેફેમાં
બહારથી મોેટા પ્રમાણમાં યુવાનોને બોલાવીને ગેરકાયદેસર હુક્કાબાર ચલાવવામાં આવે છે.
જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં કેફેમાં બનાવવામાં આવેલી ખાસ જગ્યામાં
કેટલાંક લોકો હુક્કો પીતા મળી આવ્યા હતા.પોલીસને સ્થળ પરથી હુક્કાની વિવિધ ફ્લેવરના
૧૪૬ પેકેટ, ૩૭ હુક્કા, પેપર ફોઇલની ૨૮ જેટલી
ચિલમ અને પાઇપ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. શીલજ આશ્રય અરાઇઝમાં રહેતો ભાવીન પટેલ
નામનો વ્યક્તિ કેફેની આડમાં હુક્કાબાર ચલાવતો હતો. એટલું જ નહી તેણે કેફે ચલાવવા માટે કોઇ લાયસન્સ
પણ લીધું ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અમદાવાદમાં હુક્કાબાર પર પ્રતિબંધ હોવાથી ભાવીન પટેલ હુક્કાબારમાં આવતા
લોકો પાસેથી ત્રણ ગણો ચાર્જ વસુલીને સુવિદ્યા આપતો હતો. પોલીસને હુક્કા બારમાં આવતા
યુવાનોના મોટા ગુ્રપ અંગે પણ માહિતી મળી છે. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.