ક્ષત્રિયોનો આક્રોશ વધ્યો : હવે ભાજપના કાર્યક્રમો નિશાન ઉપર : ભાજપના કાર્યાલયના આરંભ ટાણે રૂપાલાનો વિરોધ નડયો : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભાજપના કાર્યાલયો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
રાજકોટ, : રાજકોટ બેઠકના ઉમેદવાર બદલવાની માંગ ભાજપે ઠુકરાવી દેતા ક્ષત્રિયોએ હવે ભાજપના કાર્યકરો,પ્રચાર પર પ્રહાર કરવાનું શરૂ કર્યું છે. આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલના હસ્તે દેવભુમિ દ્વારકાજિલ્લાના કરોડોના ખર્ચે બનેલા ભાજપના નવા કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે સંમેલન સ્થળે રેલીંગ તોડીને ઘુસી જઈને અચાનક ધસી આવેલા ક્ષત્રિયોના ટોળાએ કાળા વાવટા ફરકાવી ભારે હંગામો મચાવ્યો હતો.ખુરશીઓ ઉંધી વાળી દીધી, બેનરોમાં તોડફોડ કરીને પથ્થરો પણ ફેંક્યાનું બહાર આવ્યું છે.
ખંભાળિયા-દ્વારકાથી અહેવાલ મૂજબ ક્ષત્રિયોના રોષને લઈને પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો અને ેક તરફ પ્રદેશ ભાજપ પ્રમુખ રીબીન કાપીને ભાજપ કાર્યાલયનો શુભારંભ કરી રહ્યા હતા ત્યારે જ ક્ષત્રિય સમાજના ૩૦૦થી વધુ લોકો રોષભેર ધસી આવ્યા હતા અને ખુરશી-બેનરોમાં તોડફોડ કરીને પાટિલ હાય હાય, રૂપાલા હાય હાયના સૂત્રોચ્ચારો કરતા કાર્યક્રમના રંગમાં ભંગ પડયો હતો.ભાજપના કાર્યક્રમની સમાંતર ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ પ્રદર્શન કરતા પોલીસમાં ભારે દોડધામ મચી ગઈ હતી. બહારથી પથ્થરો ફેંકાયાના પણ અહેવાલો છે.
ક્ષત્રિય સમાજે એક તરફ ભાજપને સમાંતર સંમેલન બોલાવ્યું હતું અને બીજી તરફ સેંકડો યુવાનો કમલમ્ કાર્યાલય અને સંમેલનના મંડપમાં ધસી જઈને હલ્લાબોલ કર્યું હતું. સંમેલનમાંથી બહાર નીકળી કેટલાક યુવાનોએ પાટિલ હાય હાયના સૂત્રો પોકાર્યા હતા. પોલીસને જાણ થતા એસ.પી.સહિતનો પોલીસ સ્ટાફ સભામંડપમાં ધસી જઈને મંચને કોર્ડન કરી લેવાયો હતો અને તમામ જુથોને સમજાવીને દૂર કર્યા હતા. પોલીસના ચૂસ્ત જાપ્તા હેઠળ કાર્યક્રમ બાદમાં ચાલુ રહ્યો હતો. ક્ષત્રિય સમાજના સંમેલનમાં રૂપાલા ન હટે તો ભાજપને મત નહીં આપવાના સોગંદ લેવાયા હતા.
આ ઘટનાના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ભાજપના કાર્યાલયો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાજકોટના રીંગરોડ ઉપર આવેલ ભાજપ કાર્યાલયે પણ પોલીસ તૈનાત કરી દેવાઈ છે અને કાર્યક્રમોને નિશાન બનાવવાનું શરૂ કરાયું હોય તે સ્થળે રાબેતામૂજબના બંદોબસ્તથી ઘણો વધારે પોલીસ કાફલો હવે તૈનાત કરાઈ રહ્યો છે. કચ્છના એક ગામમાં ભાજપના ઉમેદવાર અને વડાપ્રધાન સહિતના દિગ્ગજ નેતાઓના પોસ્ટર સાથેનું ચૂંટણી પ્રચારનું વાન પ્રચાર માટે પહોંચ્યું ત્યારે ગામના કેટલાક લોકોએ ભેગા થઈને તેને પાછુ વળવાની ફરજ પાડી અને ફરી અહીં નહીં આવતા તેવી ચિમકી અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના 220થી વધુ ગામોમાં રૂપાલાની ટિકીટ રદ થતા સુધી ભાજપને પ્રવેશબંધી તેવા બેનર્સ લગાડાયા છે.