એકલૌતી પુત્રીએ પિતા બાદ માતાની છત્રછાયા ગુમાવી
ભગવતીપરામાં યુવાન સહિત બેએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ઃ કારણ અંગે તપાસ
રાજકોટ: શહેરની લોધેશ્વર સોસાયટીમાં રહેતાં વર્ષાબેન ભાવેશભાઈ જરીયા (ઉ.વ.૨૮) ગઈકાલે આપઘાત કરનાર પતિના વિયોગમાં ઝેરી દવા પી લઈ જીંદગી ટુંકાવી દોઢ માસમાં એકલૌતી પુત્રીએ પિતા બાદ માતાની પણ છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
લોધેશ્વર સોસાયટી – ૨ માં રહેતાં વર્ષાબેને ગઈકાલે ઘરે ઝેરી દવા પી લેતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જયાં તેનું મૃત્યું નિપજયું હતું. જાણ થતા માલવીયાનગરનાં એ.એસ.આઈ. કે.યુ. વાળાએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્યું કે, મૃતકનાં સસરાનું એકાદ વર્ષ પહેલા મૃત્યું નિપજયું હતું. બાદમાં તેના પતિએ દોઢેક માસ પહેલા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. તેના વિયોગમાં તેણે આત્મઘાતી પગલુ ભરી લીધું હતું. બનાવથી દોઢ માસમાં એકલૌતી પુત્રીએ પિતા બાદ માતાની પણ છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
બીજા બનાવમાં ભગવતીપરામાં રહેતાં સંજયભાઈ અનુભાઈ જરયા (ઉ.વ.૪૫) એ આજે સવારે ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. છ ભાઈ અને એક બહેનમાં વચેટ સંજયભાઈને સંતાનમાં ૧ પુત્રી છે. તે સોડાનો ધંધો કરતા હતાં. માનસિક બીમારીથી કંટાળી પગલુ ભર્યાનું અનુમાન છે. બી.ડીવીઝન પ ોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ જારી રાખી છે.
ત્રીજા બનાવમાં ભગવતીપરામાં સુખસાગર હોલ સામે રહેતા મહમદરફિક મહમદનાગીર અંસારી (ઉ.વ.૨૭) એ ગઈકાલે સાંજે ઘરે પંખામાં ડુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. ચાર બહેનનો એકલૌતો ભાઈ મહમદરફિક છુટક મજુરી કરતો હતો. તેના એકાદ વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. હાલ બનાવ પાછળનું કારણ જાણવા બી.ડીવીઝન પોલીસે વધુ તપાસ જારી રાખી છે.