ન્યારી ડેમ પાસે ઝેરી દવા પી લીધી હતી ભજીયાના ધંધાર્થીએ ચારે’ક દિવસ પહેલા દુકાનેથી નીકળી પગલું ભરી લીધું હતુંઃ પાંચ સામે નોંધાતો ગુનો
રાજકોટ, : લોધીકાના મેટોડા ગામમાં જુની ગ્રામ પંચાયત પાસે રહેતા અને મેટોડા જીઆઇડીસીમાં બાપા સિતારામ નામે ભજીયાની સ્ટોલ ધરાવતાં કૃણાલ સુરેશભાઇ વિષ્ણુસ્વામી (ઉ.વ. 29)એ ચારેક દિવસ પહેલાં રાજકોટના ન્યારી ડેમ પાસે ઝેરી દવા પી આપઘાત કરી લીધા બાદ તેના ભાઇ કૌશિક (ઉ.વ. 27)એ પાંચ વ્યાજખોરોએ તેના ભાઇને ત્રાસ આપી મરવા મજબુર કર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
તાલુકા પોલીસે આ અંગે કૌશિક વિષ્ણુસ્વામી (ઉ.વ. 27)ની ફરિયાદ પરથી વ્યાજખોર મીત ગઢવી, રાજેશ લાલાણી, લાલા, પટેલભાઇ (રહે. બધા રાજકોટ) અને ઋષિરાજસિંહ જાડેજા (રહે. તારૈયા ગામ) સામે ગુનો દાખલ કર્યો હતો. કૌશીકે પોલીસને જણાવ્યું કે, તેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી કૃણાલ ગામમાંથી વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજના ચકમા ફસાઇ તે એક પાસેથી રકમ લઇ બીજાને અને બીજા પાસેથી લઇ ત્રીજાને વ્યાજ ચુકવતા હતા. જે દેણાંના કારણે વ્યાજખોરો તેની ભજીયાના સ્ટોલે જઇ પઠાણી ઉઘરાણી કરતા હતા. આથી કૃણાલ માથે દેણું થયાની તેજા જાણ થઇ હતી. આ અંગે તેને તેના ભાઇ કૃણાલે વાત કરી હતી કે, ઘટની જરૂરીયાત અને ધંધો ચલાવવા માટે રૂપિયાની જરૂરિયાદ હોવાથી તેણે આરોપી બ્રિજેશ અને મીત ગઢવી પાસેથી રૂ. 13,500 લીધા હતા. જ્યારે આરોપી લાલા અને પટેલભાઇ નામના શખ્સ પાસેથી વ્યાજે રકમ લીધી હતી. તેને રકમ ચુકવી દેવા છતાં વધુ રૂપિયાની આ શખ્સો ઉઘરાણી કરે છે. આથી તેણે આરોપીઓ સાથે વાત કરતા તેને પણ ધમકી આપી હતી. બીજી તરફ આરોપી ઋષિરાજસિંહ જાડેજાની તેની સ્ટોલ ઉપર જઇ બન્ને ભાઇને ધંધો નહીં કરવા દેતા બાબતે ધમકીઓ આપતો હોવાથી કૃણાલ ટેન્શનમાં રહેવા લાગ્યો હતો. આથી આરોપીઓના ત્રાસથી કંટાળી ગઇ તા.1નાં દવા લેવા જવાનું કહી નિકળ્યા બાદ સ્ટોલ પર નહીં આવતા તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ બીજા દિવસે બેપોરે કોઇએ તેને ફોન કરી તમારા ભાઇ કૃણાલે ન્યારી ડેમ પાસે ઝેરી દવા પીધી હોવાનું કહેતાં તેણે ત્યાં જઇ કૃણાલને ૧૦૮ મારફતે સિવિલમાં ખસેડયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.