– સચિન વિસ્તારમાં સંજય યદુવંશી ગેંગનું વર્ચસ્વ જમાવવા હાલ યુ.પીમાં ખેતીકામ કરતા ભોલા પ્રસાદ ઉર્ફે વિજય પંડિતે સંજય યદુવંશી અને અન્યો સાથે મળી ઓક્ટોબર 2013 માં સચીન ઈશ્વરનગરમાં ફાયરીંગ કર્યું હતું
– ક્રાઈમ બ્રાન્ચે એક વર્ષ અગાઉ સંજય યદુવંશીને છત્તીસગઢના રાયપુરથી ઝડપી લીધો હતો
સુરત, : સુરતના સચીન વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ બનાવવા હરીફ અને તેના મહિલા બોડીગાર્ડ પર હુમલો કરી મહિલા બોડીગાર્ડની હત્યા કરનાર સંજય યદુવંશી ગેંગના ફરાર સાગરીતને ક્રાઈમ બ્રાન્ચે 11 વર્ષે ઉત્તરપ્રદેશના ચિત્રકુટથી ઝડપી લીધો છે.
ક્રાઈમ બ્રાન્ચની જનરલ સ્ક્વોડે મળેલી બાતમીના આધારે ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ ખાતે બેડીપુલીયાના નાકેથી ભોલાપ્રસાદ ઉર્ફે વિજય પંડિત રામસજીવન દૂબેદી ( ઉ.વ.41, રહે.ટીટીહારા, તા.કરવી, જી.ચિત્રકુટ, ઉત્તરપ્રદેશ ) ને ઝડપી લીધો હતો.હાલ ચિત્રકુટમાં રહી ખેતીકામ કરતો ભોલાપ્રસાદ ઉર્ફે વિજય પંડિત વર્ષ 2013 માં સુરતમાં સચીન વિસ્તારમાં રહેતો હતો અને સંજય ઉર્ફે સૌરભ યદુવંશી, તેના ભાઈ અમિત અને લખન કોરીની ગેંગમાં કામ કરતો હતો.જોકે, સચીન વિસ્તારના બુટલેગર પ્રદીપ ઉર્ફે મામુ સાથે સંજય યદુવંશીની વર્ચસ્વની લડાઈ ચાલતી હતી અને તેમાં તેણે સાગરીતો સાથે મળી ગત 27 ઓક્ટોબર 2013 ની રાત્રે નવ વાગ્યે સચીન ઈશ્વરનગર પાસે પ્રદીપ ઉર્ફે મામુ અને તેની મહિલા બોડીગાર્ડ રાજારાની મિશ્રા ઉપર હુમલો કરતા ફાયરીંગમાં મહિલા બોડીગાર્ડ રાજારાની મિશ્રાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
હત્યાના બનાવ બાદ તમામ વતન ભાગી ગયા હતા.તે પૈકી સંજય યદુવંશીને ક્રાઈમ બ્રાન્ચે છત્તીસગઢના રાયપુરથી ઝડપી લીધો હતો.જયારે સુરત રહેવા આવ્યા પહેલા ચિત્રકૂટમાં હત્યાના ગુનામાં સામેલ તેમજ સુરતમાં વર્ષ 2006 થી 2008 દરમિયાન પાંડેસરામાં લૂંટના ગુનામાં અને રેલવેમાં હત્યાના ગુનામાં સામેલ ભોલાપ્રસાદ ઉર્ફે વિજય પંડિત મહિલા બોડીગાર્ડની હત્યા બાદ વતન ભાગી ગયો હતો અને ક્યારેય સુરત આવ્યો નહોતો.ક્રાઈમ બ્રાન્ચે તેનો કબજો સચિન જીઆઇડીસી પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.